Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

પાકિસ્તાનના એક જ શહેરના ૫૦૦ બાળકોને એઇડઝ લાગુ પડ્યો

ગુન્હાહિત બેદરકારીના આરોપમાં એક ડોકટર ગીરફતારઃ 'લારકાના'શહેરમાં છે ઠેર ઠેર ઉંટવૈદ્યોના હાટડા

પાકિસ્તાનના એક જ શહેરમાં લગભગ ૫૦૦ બાળકોનો એચઆઇવી ટેસ્ટ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેના કારણે એક ડોકટરની ધરપકડ કરાઇ છે અને સ્થાનિક દવાખાનાઓની ગેરરીતીઓ પણ બહાર આવી છે.

મીડ-ડે અનુસાર ૪૧૦ બાળકો અને ૧૦૦ પુખ્તવયના લોકોનો એચઆઇ ટેસ્ટ પાકિસ્તાનના લારકાનામાં પોઝીટીવ આવ્યો હતો જે વધીને ૪૯૪ અને ૧૧૩ પર પહોંચ્યો છે એક જ શહેરમાં આટલા બધાને એચઆઇવીનો ચેપ લાગવાના કારણો શું છે તે આવો જાણીએ.

એનપીઆર અને એપીના રીપોર્ટ અનુસાર એપ્રિલમાં માબાપોને બાળકોને સતત તાવ રહેતો હોવાનું જણાતા તેમણે નજીકના એક કલીનીકમાં બતાવ્યું હતું. લારકાનાના ડેપ્યુટી કમિશ્નર મુહમ્મદ નૌમાન સીદ્દીકના રિપોર્ટ અનુસાર અમને આ સ્થિતીની ગંભીરતા સમજાઇ હતી એટલે સ્થાનિક અધિકારીઓએ એચઆઇવી ટેસ્ટ માટે એક કેમ્પનું આયોજન કર્યુ હતું.

તેમણે લખ્યું છે કે કેમ્પના પહેલા થોડા દિવસના પરિણામો ચોંકાવનારા હતા. પુખ્ત વયના લોકો કરતા બાળકો વધારે પ્રમાણમાં એચઆઇવી પોઝીટીવ જોવા મળ્યા હતા. જેના કારણે પ્રશ્નો ુભા થયા કે આટલા બધા બાળકોને ચેપ કેવી રીતે લાગ્યો. ૧૪મે સુધીમાં ૧૦૦૦૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૪૦૦ વધારે લોકો એચઆઇવી પોઝીટીવ જણાયા હતા. આ કેમ્પ હજુ પણ ચાલુ હોવાથી આંકડો વધવાની શકયતાઓ છે.

સ્થાનિક અધિકારીઓના મતે આમથવાનું મુખ્ય કારણ અસુરક્ષીત સારવાર પધ્ધતિ છે. એચ.આઇ.વી પોઝીટીવ હોય તેવા બાળકોમાંથી ઘણાને લારકાના ખાતે આવેલા ડો.મુઝફાર ધાંધરોના દવાખાનામાં થોડા સમય પહેલા સામાન્ય રોગો માટે સારવાર અપાઇ હતી. બાળકોના માબાપોની માંગણી અનુસાર આ ડોકટરનું એચઆઇવી ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતું. જેનું પરિણામ પોઝીટીવમાં આવ્યું હતું. એક પોલિસ અધિકારીએ કહ્યું કે બાળકોમાં એચઆઇવી ફેલાવવા અને બેડ પ્રેકટીસ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી.

બીબીસીના રિપોર્ટ અનુસાર બાળકોમાં જાણીજોઇને એચઆઇવી ફેલાવવાના આરોપ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના સમા ટીવીએ જણાવ્યા અનુસાર આ આરોપમાંથી તેને મુકત કરાયો છે. પણ ગુન્હાહિત મેડીકલ બેદરકારી માટે દોષીત પુરવાર થયો છે.

અધિકારીઓએ આ વિસ્તારમાં નોન કવોલીફાઇડ માણસો દ્વારા ચાલતા બોગસ દવાખાનાઓને પણ આ માટેનું મુખ્ય કારણ હોવાનું જણાવ્યુ હતું. સિદ્દીકે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આવા લગભગ ૬૧ બોગસ દવાખાનાઓ સીલ કરી દેવાયા છે. અને ૨૯ આરોગ્ય કેન્દ્રોને ચેતવણી આપવામાં આવી છે. આવા દવાખાનાઓમાં એકની એક સીરીંજને વારંવાર વાપરવામાં આવતી હોય છે.

સીંઘના આરોગ્ય અધિકારીઓએ બીજા એક કારણમાં વાળંદની દુકાનોને પણ ગણાવી છે જયાં એક જ બ્લેડ એકથી વધુ વાર વાપરવામાં આવતી હોય છે.

લારકાનામાં આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા ૨૦૧૬માં ડાયાલીસીસના ૫૦ પેશન્ટોને ચેપ લાગ્યાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો. તે પહેલા ઇન્જેકશન દ્વારા ડ્રગ અપાતા હોવાનો કેસ પણ જાહેર થયો હતો.

પાકિસ્તાનના આરોગ્ય પ્રધાન ઝાફર મિર્ઝાએ ગઇ કાલે જાહેરાત કરી હતી કે સિંઘમાં એચઆઇવી એઇડઝની સારવાર માટે ત્રણ નવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે.

(3:37 pm IST)