Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

અમિત શાહ, સ્મૃતિ ઇરાની જીતી જતાં BJP રાજયસભાની એક બેઠક ગુમાવશે

બંને નેતાઓ ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ છેઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી જીત્યા તો સ્મૃતિ ઇરાની અમેઠીથી વિજેતા

અમદાવાદ, તા.૨૪: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી તેમજ સ્મૃતિ ઇરાની અમેઠીથી લોકસભાની ચૂંટણી જીતી ગયા છે. આ બંને નેતાઓ અત્યારે ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ છે. આ બંને નેતાઓ લોકસભાની ચૂંટણી જીતી ગયા હોવાથી રાજયસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડશે. બંને બેઠકો ઉપર એક સાથે ચૂંટણી યોજાય તો વિધાનસભામાં કોંગ્રેસના હાલના સંખ્યાબળને જોતાં ભાજપ એક બેઠક ગુમાવે તેવી શકયતા દેખાઇ રહી છે.

રાજયસભાની ચૂંટણીમાં અગ્રતાક્રમે એટલે કે ઉમેદવારોની પસંદગી માટે ક્રમ ૧, ક્રમ ૨ એમ પ્રેફરન્સ વોટ હોય છે.

ભાજપના બે નેતાઓ લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી રાજયસભાના સાંસદ તરીકે રાજીનામું આપે તો ખાલી બેઠકો સામે ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો ઊતરે તો તેવી સ્થિતિમાં ભાજપના સભ્યોને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘૂંટવા પડે, જયારે બાકીના ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે. સામે કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા છે અને તેઓ આજે પેટા ચૂંટણી જીતી ગયા છે તો બીજી બાજુ ભાજપના પબુભા માણેકે ધારાસભ્ય પદ ગુમાવ્યું છે ત્યારે ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવી શકે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૦૩ થયું છે જયારે કોંગ્રેસ ૭૨ ધારાસભ્યો ધરાવે છે તેવી સ્થિતિમાં ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી ભાજપના ધારાસભ્યો ઘટીને ફરીથી ૯૯ થશે. મહત્વનું છે કે, કોંગ્રેસના સાથી એવા બીટીપીના ૨ અને એનસીપીના એક ધારાસભ્ય છે, લોકસભાની ચૂંટણીમાં ભલે અત્યારે આ બે નાના પક્ષો સાથે ગઠબંધન થયું નથી. છેલ્લે રાજયસભાની ચૂંટણીમાં બીટીપીના કારણે કોંગ્રેસને જીત મળી હતી.

(11:42 am IST)