Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

દેશના ૨૩ રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા

કયાંક ૧ તો કયાંક ૦ બેઠકઃ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ પડયો તમાચો

નવી દિલ્હી, તા. ૨૪ :. લોકસભાની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે અત્યંત નિરાશાજનક રહ્યા છે. ગત ચૂંટણીમાં માત્ર ૪૪ બેઠકો મેળવનાર કોંગ્રેસને માત્ર ૬ થી ૭ બેઠકોનો જ ફાયદો થયો છે. કોંગ્રેસ માટે પરિણામો એટલા માટે ચિંતાજનક છે કે પોતાની સત્તાવાળા કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તે ભૂંડા હાલે હારી ગયેલ છે. આ સિવાય યુપીમાં પ્રિયંકાને પૂર્વ યુપી અને જ્યોતિરાદિત્યને પશ્ચિમ યુપીની કમાન સોંપવાની ફોર્મ્યુલા પણ નિષ્ફળ નિવડી છે. એટલુ જ નહિ અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્થિતિ કોંગ્રેસ મુકત જેવી થઈ ગઈ છે.

દેશના ૨૩ રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. કયાંક ૧ તો કયાંક ૦ બેઠક મળી છે. યુપીમાં કુલ ૮૦ બેઠકો છે. જેમાં કોંગ્રેસને માત્ર ૧ રાયબરેલી બેઠક મળી છે. બંગાળમાં પણ માત્ર એક બેઠક મળી છે. રાજસ્થાન, ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ગોવા, અરૂણાચલ, આંધ્ર, આંદામાન-નિકોબાર, હિમાચલ, હરીયાણા, દિલ્હી, મણીપુર, મિઝોરમ સહિતના રાજ્યો કોંગ્રેસ મુકત થયા છે. ઓડીશા, ત્રિપુરા, સિક્કીમમાં પણ આવી સ્થિતિ છે.

(10:35 am IST)