Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

નહેરૂ અને ઇન્દિરા બાદ બીજીવાર સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવનાર મોદી પહેલી બિનકોંગ્રેસી વ્યકિત

નવી દિલ્હી તા. ૨૪ : જવાહરલાલ નહેરુ અને ઈંદિરા ગાંધી બાદ લોકસભાની ચૂંટણીમાં સતત બીજી વખત બહુમતી મેળવનાર નરેન્દ્ર મોદી દેશના ત્રીજા વડા પ્રધાન બન્યા હોવા ઉપરાંત આ સિદ્ઘિ મેળવનાર દેશના પહેલા બિનકોંગ્રેસી વ્યકિત બન્યા હતા. ગુરૂવારે મોડે સુધી ચાલી રહેલી મતગણતરીમાં મોદીના વડપણ હેઠળનો ભાજપે સરળતાપૂર્વક બહુમતનો આંક મેળવી લીધો હતો.

વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે કુલ ૫૪૩માંથી ૨૮૨ બેઠક મેળવી હતી. વર્ષ ૧૯૫૧-૫૨માં દેશમાં યોજાયેલી લોકસભાની પ્રથમ ચૂંટણીમાં જવાહરલાલ નહેરુએ ત્રણચતુર્થાંસ બેઠક મેળવી હતી. ત્યાર બાદ પણ નહેરુએ વર્ષ ૧૯૫૭ અને વર્ષ ૧૯૬૨ની ચૂંટણીમાં બહુમતી મેળવી હતી. વર્ષ ૧૯૫૧માં સ્વતંત્ર ભારતમાં પહેલી જ વાર ચૂંટણી યોજાઈ હતી એટલે ચૂંટણી ઓકટોબર ૧૯૫૧થી ફેબ્રુઆરી ૧૯૫૧ એમ પાંચ મહિના ચાલી હતી. કોંગ્રેસે મહત્ત્વનું સ્થાન મેળવી લીધું હતું જયારે ભારતીય જનસંઘ, કિસાન મઝદૂર પ્રજા પાર્ટી, શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન એન્ડ સોશિયાલિસ્ટ પાર્ટી જેવા પક્ષો આકાર લઈ રહ્યા હતા. વર્ષ ૧૯૫૧-૫૨ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ ૪૫ ટકા મત સાથે ૪૮૯માંથી ૩૬૪ બેઠક મેળવી હતી. વર્ષ ૧૯૫૭ની ચૂંટણીમાં કોંગ્રેસે ૪૭.૭૮ ટકા મત સાથે ૩૭૧ બેઠક તો વર્ષ ૧૯૬૨ની ચૂંટણીમાં ૪૯૪માંથી ૩૬૧ બેઠક મેળવી હતી. વર્ષ ૧૯૬૭માં નહેરૂના પુત્રી ઈંદિરા ગાંધી લોકસભાની ૫૨૦ બેઠકમાંથી ૨૮૩ બેઠક પર વિજય મેળવવામાં સફળ રહ્યાં હતાં.

 લોકસભાની ચૂંટણીમાં ઈંદિરા ગાંધીનો આ પહેલો વિજય હતો. વર્ષ ૧૯૭૧માં ઈંદિરા ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસે ૩૫૨ બેઠક મેળવી સતત બીજીવાર વિજય મેળવ્યો હતો. નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪ બાદ વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી સતત બીજીવાર વિજય મેળવ્યો છે અને સતત બે વખત બહુમતી સાથે સત્તા પર આવનારા દેશના ત્રીજા વડા પ્રધાન બન્યા છે.

(10:04 am IST)