Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મ.પ્રદેશ અને કર્ણાટક સરકારને ઉથલાવશે ભાજપ

બન્ને સરકારો ડગુમગુ થઈને ચાલે છેઃ નવી સરકારની રચના બાદ તરત જ બન્ને રાજ્ય સરકારો અસ્થિર થશે

નવી દિલ્હી, તા. ૨૪ :. સામાન્ય ચૂંટણીના પરિણામોની અસર માત્ર રાષ્ટ્રીય રાજનીતિ પર જ નહી પડે પરંતુ આ પરિણામોની ગુંજ એવી રાજ્ય સરકારો અને પ્રદેશોની રાજનીતિ પર પણ જોવા મળશે જ્યાં માંડ માંડ બહુમતી સાથેની સરકાર ચાલી રહી છે. તેમના અસ્તિત્વને પડકાર મળી શકે છે. જેની ઝલક હાલમાં જ મધ્યપ્રદેશમાં જોવા મળી હતી. જ્યારે એકઝીટ પોલના ટ્રેન્ડમાં સરસાઈ મળતી જોવા મળી તો પ્રદેશ ભાજપના નેતૃત્વએ ગવર્નર આનંદીબેન પટેલને પત્ર લખી વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની માંગણી કરી અને દાવો કર્યો કે કમલનાથ સરકાર પાસે પુરતી બહુમતી નથી. જો કે ભાજપની ઈચ્છા સામે આવતા જ કોંગ્રેસ એલર્ટ થઈ ગઈ અને સામો પડકાર ફેંકયો હતો.

જાણવા મળે છે કે પ્રદેશ નેતૃત્વએ જે ઉતાવળ કરી તે હાઈકમાન્ડને ગમ્યુ નથી. જો કે કેન્દ્રીય નેતૃત્વની નજર મધ્ય પ્રદેશ પર કેન્દ્રીત છે. કોઈ ધડાકા-ભડાકા થશે તે નક્કી છે. નવી સરકાર ન બને ત્યાં સુધી કોઈ વિવાદ કે ડખ્ખો કરવા હાઈકમાન્ડ ઈચ્છુક નથી.

સામાન્ય ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ ભાજપના નિશાના પર કર્ણાટક અને મધ્યપ્રદેશની સરકારો હશે. મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર બહુમતીના જાદુઈ આંકડાથી બે બેઠક દૂર છે, તો કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર ચાલે તો છે પરંતુ અંદર ડખ્ખા છે. આ બન્ને રાજ્ય સરકારોના અસ્તિત્વ પર ખતરો છે. ભાજપ આગામી દિવસોમાં આ બન્ને સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે. આ બન્ને રાજ્યોમાં ભાજપને મોટી સફળતા મળી છે.(૨-૩)

(10:03 am IST)