Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

આવતા સપ્તાહે શપથવિધિઃ સરકાર-સંગઠનનું સ્વરૂપ બદલાશે

અમિત શાહને મંત્રી મંડળમાં સ્થાન મળશેઃ તેમની જગ્યાએ જે.પી. નડ્ડા અધ્યક્ષ બને તેવી શકયતાઃ જેટલી-સુષ્મા નવા મંત્રી મંડળમાં રહેશે કે નહિ ? જબરી ચર્ચાઃ વરૂણ ગાંધી-ચિરાગ પાસવાન મંત્રી બનશે : રવિવારે ભાજપ સંસદીય પક્ષની બેઠકઃ મોદી નેતા પદે ચૂંટાશેઃ સંઘ નાયબ વડાપ્રધાન પદની જગ્યા ઈચ્છે છેઃ જેડીયુ સરકારનો હિસ્સો બનશેઃ ગડકરી-રાજનાથ-પિયુષ ગોયલને મહત્વના પદ મળશે

નવી દિલ્હી, તા. ૨૪ :. સત્તા સંગ્રામમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ ભાજપના સંગઠન અને મોદી સરકારના સ્વરૂપમાં ધરખમ ફેરફારો થશે તે નક્કી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રી મંડળમાં અમિત શાહ જોડાય તેવી શકયતા છે. તેમની જગ્યાએ સંગઠનનું સુકાન કોઈ નવા ચહેરાને સોંપવામાં આવે તેવી શકયતા છે તો પીએમ મોદીએ અસ્વસ્થ ચાલી રહેલા વરિષ્ઠ પ્રધાનો અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજના ભવિષ્યનો ફેંસલો પણ કરવાનો રહેશે. આ દરમિયાન સંઘના કેટલાક લોકો ઈચ્છે છે કે નવી સરકારમાં નાયબ વડાપ્રધાન પદ હોવુ જોઈએ.

પોતાના દમ પર ફરીથી બહુમતી મેળવી હોવાને કારણે પીએમ મોદી પર મંત્રી મંડળના સ્વરૂપ નક્કી કરવાને લઈને કોઈ દબાણ નહી હોય. પ્રચંડ જનાદેશે સાથી પક્ષોની દબાણની નીતિનું સૂરસૂરીયુ કરી નાખ્યુ છે. જો કે મોદી નવી ટીમમાં સાથી પક્ષોને પુરતુ સ્થાન આપશે. પીએમ મોદી એનડીએનો આકાર વધારવા માટે અન્ય પક્ષો સમક્ષ પણ મંત્રી મંડળમાં સામેલ થવાનો પ્રસ્તાવ રાખી શકે છે. આ સિવાય જેડીયુ જેવા મહત્વના સાથીએ હવે સરકારમાં સામેલ થવાની ઈચ્છા પણ વ્યકત કરી છે.

મોદી સમક્ષ શાહની નવી ભૂમિકા અને મંત્રી મંડળમાં વરિષ્ઠ પ્રધાનોની નવી ભૂમિકા નક્કી કરવી પડશે. અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ શાહને મંત્રી મંડળમાં તેમના કદને અનુરૂપ મોટી જવાબદારી આપવી પડશે. હવે એવો સવાલ છે કે ખરાબ તબીયતનો સામનો કરતા સુષ્મા અને જેટલીને સ્થાન મળશે કે નહિ? શું દિગ્ગજ પ્રધાનો રાજનાથ અને ગડકરીને અગાઉની જવાબદારીમાં બદલાવ થશે કે કેમ ? વિદેશ મંત્રી તરીકે સુષ્માએ સફળ કામગીરી કરી છે તો જેટલી પણ સરકારની સાથે સાથે પક્ષના મુખ્ય રણનીતિબાજ પણ બન્યા છે. વરિષ્ઠ મંત્રી મેનકા ગાંધી પોતાની જગ્યાએ પોતાના પુત્ર વરૂણને તો રામવિલાસ પાસવાન પુત્ર ચિરાગ પાસવાનને મંત્રી બનાવવાની માંગણી કરે તેવી શકયતા છે.

અધ્યક્ષ તરીકે અમિત શાહનો કાર્યકાળ પહેલેથી જ સમાપ્ત થઈ ગયો છે તેવામા આ પદ માટે મોદીની પ્રથમ પસંદગી શાહ જેવા મહેનતુ અને કુશળ વ્યુહબાજ ચહેરો હશે. એવુ મનાય છે કે શાહ મંત્રી મંડળમાં આવશે છતા મોદી પરોક્ષ રીતે તેમને સંગઠનની દેખરેખની જવાબદારી સોંપશે. અધ્યક્ષ પદ માટે જે.પી. નડ્ડાનું નામ ચાલી રહ્યુ છે.

નવી સરકાર આવતા સપ્તાહે શપથ લે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાને પોતાના તમામ પ્રધાનોને સરકાર માટે ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર કરવાનુ

જણાવ્યુ છે. ભાજપની સંસદીય પક્ષની બેઠક રવિવારે મળશે. જેમાં સાંસદો મોદીને પોતાના નેતા પસંદ કરશે તે પછી રાષ્ટ્રપતિ મોદી અને તેમના મંત્રી મંડળને શપથ ગ્રહણ માટે આમંત્રીત કરશે. ૨૦૧૪માં શપથ ગ્રહણ સમારોહ ૨૬ મે એ થયો હતો. આજે મંત્રી મંડળની બેઠક મળી રહી છે. જેમાં રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની ભલામણ થશે.

અમિત શાહને ગૃહખાતુ મળે તેવી શકયતા છે. સંરક્ષણ મંત્રી તરીકે નિર્મલા સીતારામનનુ નામ ચર્ચાય છે. રેલ્વે મંત્રી પિયુષ ગોયલને મહત્વનું મંત્રાલય મળી શકે છે. વી.કે. સિંહ, રવિશંકર પ્રસાદને પણ મહત્વનું ખાતુ મળશે. પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક મંત્રાલયો ખાસ કરીને કૃષિ મંત્રાલયમાં ફેરફાર થશે. કેટલાક યુવા સાંસદોને સ્થાન મળશે.

(3:43 pm IST)