Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

નરેન્દ્ર મોદીની હિન્દી ભાષાથી હિન્દુ પટ્ટા મોદીમય થયા : અહેવાલ

બંગાળ સહિત અન્યત્ર પણ નરેન્દ્ર મોદીની અસર દેખાઈ : ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં નરેન્દ્ર મોદી છવાયા : ભાષાની પરિણામ ઉપર અસર

નવીદિલ્હી, તા.૨૩ : લોકસભાની ચૂંટણી માટે આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ૧૭મી લોકસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થયા બાદ મોડી સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું અને ભારતીય જનતા પાર્ટીએ બહુમતિ મેળવી લીધી હતી. ૨૦૧૪ની જેમ જ આ વખતે પણ નરેન્દ્ર મોદીની લહેર જોવા મળી હતી અને તેમના શાનદાર ચૂંટણી પ્રચાર અને આક્રમક વ્યૂહરચનાના પરિણામ સ્વરુપે ૨૦૧૪ના તમામ ગઢની સાથે સાથે બંગાળ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. મોદીની સુનાવણી વચ્ચે ઉત્તરપ્રદેશમાં બસપના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની એક મંચ ઉપર સાથે આવવાની યોજના પણ ફ્લોપ સાબિત થઇ હતી. ઉત્તરપ્રદેશમાં સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટી જોરદાર દેખાવ કરીને તમામ રાજકીય પંડિતોને પણ ચોંકાવી ચુકી છે. નરેન્દ્ર મોદીના જાદુના કારણે દેશના હિન્દી પટ્ટામાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. સપા, બસપા અને આરજેડીનો પણ સફાયો થયો છે. નરેન્દ્ર મોદીના હિન્દી ભાષા ઉપર પ્રભુત્વ અને ખુબ જ શાનદાર હિન્દી ભાષાની શૈલીના કારણે સતત બીજી વખત હિન્દી પટ્ટામાં ભાજપને સૌથી રેકોર્ડ સફળતા મળી છે. મોદીએ પ્રચાર દરમિયાન હિન્દી ભાષામાં ઝંઝાવતી નિવેદન કર્યા હતા. મોદીના ભાષણને જે લોકો સમજી શક્યા છે તે લોકો મોદી પર ફિદા થઇ ગયા હતા. મોદીના હિન્દી પર પ્રભુત્વના કારણે હિન્દી પટ્ટા મોદીમય બની ગયા હતા  સમગ્ર દેશમાં મોદી લહેર અકબંધ રહી હતી. પરંતુ જાણકાર લોકોએ કહ્યું હતું કે, મોટા ભાગના હિન્દી પટ્ટામાં મોદી છવાઈ ગયા હતા. હિન્દી પટ્ટા મોદીમય બનવા માટે તેમના આક્રમક હિન્દી ભાષણો જવાબદાર રહ્યા છે. આજ કારણસર ભાજપ માટે લોકોએ મતદાન કરીને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઉપર મંજુરીની મહોર મારી હતી. હિન્દી પટ્ટાવાળા રાજ્યોમાં ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.

ઉત્તરપ્રદેશમાં ભાજપે હજુ સુધીનો સૌથી શાનદાર દેખાવ કર્યો છે. અહીં ભાજપે ૮૦ બેઠકો પૈકીની મોટાભાગની બેઠકો જીતીને સપાટો બોલાવ્યો છે. મોદીએ પ્રચાર દરમિયાન જે વાત કરી હતી તે સંપૂર્ણપણે સાચી સાબિત થઇ છે. હિન્દી ભાષા ઉપર પકડના કારણે લોકો મોદીથી પ્રભાવિત થયા હતા સાથે સાથે તેમની વિકાસની બાબતથી પ્રભાવિત થયા હતા. તેમના આક્રમક અંદાજથી લોકો પ્રભાવિત થયા હતા.

 

(12:00 am IST)