Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

માઇક્રો, સ્‍મોલ અને મીડિયમ અેન્‍ટરપ્રાઇઝના પ્રમોટર્સ માટે તેમના કંપનીના બિડિંગ સંબંધી નિયમો હળવા થશેઃ કેન્‍દ્રીય કેબિનેટ દ્વારા ઇનસોલ્વન્સી અેન્ડ કન્કરપ્સી કોડમાં વધારાના ફેરફારને મંજૂરી

નવી દિલ્‍હીઃ કેન્દ્રીય કેબિનેટે વટહુકમ દ્વારા ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં વધારાના ફેરફારને મંજૂરી આપી છે. ફેરફારોને પગલે માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝના પ્રમોટર્સ માટે તેમની કંપનીના બિડિંગ સંબંધી નિયમ હળવા થશે.

ઉપરાંત, ડેવલપર્સ માટેના રિઝોલ્યુશન પ્લાનમાં રહેઠાણના ખરીદદારોને વધુ અધિકાર મળશે. ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2018માં બિડિંગની લાયકાત અંગેની જોગવાઈ દૂર કરવા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તેને લીધે વિવાદોમાં ઘટાડો થવાની શક્યતા છે. IT પ્રધાન રવિ શંકર પ્રસાદે બેઠક પછી જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઈનસોલ્વન્સીના માળખામાં ફેરફાર માટે આ બીજો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. અહીં એ નોંધવું જરૂરી છે કે, IBC હેઠળ પહેલું હાઈ-પ્રોફાઇલ રિઝોલ્યુશન ગયા સપ્તાહે પૂરું થયું છે.

જેમાં ટાટા સ્ટીલે બેન્કો સાથે ₹35,200 કરોડના સોદામાં ભૂષણ સ્ટીલને હસ્તગત કરી છે. અગાઉ IBCના અમલ પછી ઘણી સમસ્યા ઊભી થઈ હતી. તેને લીધે સરકારે ફેરફાર સૂચવવા કંપની મંત્રાલયના સચિવ ઇન્જેટિ શ્રીનિવાસની અધ્યક્ષતામાં 14 સભ્યની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. વટહુકમમાં રહેઠાણ ખરીદનારને ફાઇનાન્શિયલ ક્રેડિટર્સની સમકક્ષ લાવવાનો પ્રસ્તાવ છે. એટલે ડેવલપર નાદાર થાય તો ખરીદદારને ઘર અથવા ચૂકવેલી રકમ પરત મળી શકે.

(7:34 pm IST)