Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ભાવ વધારાને લઇને વિરોધ પ્રદર્શન : સરકાર પર દબાણ

કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પણ મેદાનમાં : નજીકના ભવિષ્યમાં કિંમતોમાં કોઇ ઘટાડો થવા શક્યતા નહીંવત દેખાઈ રહી છે : મુંબઈ, દિલ્હીમાં ઉગ્ર દેખાવો

નવીદિલ્હી,તા. ૨૪ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધતા જતા ભાવને લઇને વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થઇ ગયો છે. દેશના જુદા જુદા શહેરોમાં લોકો હવે વિરોધ પ્રદર્શન માટે મેદાનમાં ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. મોદી સરકારની ટિકા પણ કરી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલ ડીઝલને લઇને જોરદાર દેખાવો કરાયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને ૮૫.૨૯ સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં આજે વધારો કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, મુંબઈમાં રહેતા લોકો પેટ્રોલ અને ડીઝલ માટે સૌથી વધુ કિંમત ચુકવી રહ્યા છે. દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઇને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એચપીસીએલના વડા મુકેશ સુરાણાનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઇને સમીક્ષા કરવામાં આવી રહી છે. ટેક્સની સમીક્ષા થઇ રહી છે. ગ્રાહકોને ટૂંકમાં જ રાહત આપવામાં આવશે. કોઇ ફોર્મ્યુલા ચોક્કસપણે શોધી કાઢવામાં આવશે. તેલ કંપનીઓના બજેટને સંતુલિત કરવાના પ્રયાસ કરવામાં આવશે. ગ્રાહકો અને સરકારને નુકસાન ન પડે તે તરફ પણ ધ્યાન આપવામાં આવશે. જો કે, હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઉંચી રહી શકે છે. ઓપેકની બેઠકમાં ટૂંક સમયમાં જ મળનાર છે. જો ઓપેક દેશો ઉત્પાદન વધારશે તો આનાથી માંગ ઘટી શકશે અને કિંમતો સ્થિર થશે.

(7:28 pm IST)