Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વધારો ઝીંકાયો : લોકો ત્રાહિમામ

પેટ્રોલની કિંમતમાં દેશભરમાં ૩૦ પૈસાનો વધુ વધારો કરાયો : ડીઝલની કિંમતમાં પણ ૧૯ પૈસાનો વધારો થયો : મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૫.૨૯ રૂપિયા થઇ : પેટ્રોલના ઇતિહાસમાં સૌથી ઉંચી કિંમત નોંધાઈ ગઈ

નવીદિલ્હી,તા. ૨૪ : પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો ઉપર અંકુશ મુકવાને લઇને સરકારે બુધવારે કોઇપણ મોટો નિર્ણય કર્યો ન હતો. બીજી બાજુ રેટમાં વધારાનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી એકવાર વધારો થયો હતો. આજે પેટ્રોલની કિંમતમાં દેશભરમાં પ્રતિલીટર ૩૦ પૈસાનો વધારો થયો હતો જ્યારે ડીઝલની કિંમતમાં ૧૯ પૈસાનો વધારો થયો હતો. આ વધારાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૭.૪૭ રૂપિયા પ્રતિલીટર અને ડીઝલની કિંમત ૬૮.૫૩ રૂપિયા થઇ ગઇ છે. જે ભારતમાં પેટ્રોલના ઇતિહાસમાં સૌથી વધારે કિંમત છે. આ વધારાની સાથે જ મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૫.૨૯ સુધી પહોંચી ગઈ છે. સામાન્યરીતે દિલ્હી અને મુંબઈ વચ્ચે પેટ્રોલની કિંમતમાં છથી સાત રૂપિયાનું અંતર હોય છે. હજુ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે. નજીકના ભવિષ્યમાં કિંમતો ઉપર અંકુશ મુકાય તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. ભાવ ઉપર અંકુશ મુકવા લાંબાગાળાની નીતિ પર કામ ચાલી રહ્યું હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેની કોઇ અસર દેખાઈ રહી નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, અન્ય પેટ્રોલિયમ કંપનીઓનું કહેવું છે કે, ફ્યુઅલની કિંમતો હાલ ઉંચી રહેશે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત ૮૫થી ઉપર પહોંચી ગઈ હતી. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ કહી ચુક્યા છે કે, ફ્યુઅલની કિંમતને કાબૂમાં લેવા લાંબાગાળાની યોજના પર કામ ચાલી રહ્યું છે. એડહોક પગલા લેવાના બદલે નવી ફોર્મ્યુલા તૈયાર કરીને આગામી ત્રણથી ચાર દિવસમાં કિંમતોમાં ધરખમ ઘટાડો કરવામાં આવશે. નવેમ્બર ૨૦૧૪ અને જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચેના ગાળામાં એક્સાઇઝ ડ્યુટી નવ વખત વધારવામાં આવી હતી. આવી જ રીતે સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં માત્ર એક વખત ટેક્સમાં ઘટાડો કર્યો હતો. આવી જ રીતે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાના મામલામાં કેન્દ્ર સરકારે વેટ ઘટાડવા માટે રાજ્યોને કહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા ચાર રાજ્યોમાં રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એકંદરે પેટ્રોલ ઉપર ડ્યુટી રેટ ૧૧.૭૭ સુધી વધારવામાં આવ્યો છે જ્યારે ડીઝલ પર ૧૫ મહિનામાં લીટરદીઠ ૧૩.૪૭નો વધારો ડ્યુટી પર કરવામાં આવ્યો છે જેના પરિણામ સ્વરુપે સરકારની એક્સાઇઝમાં જંગી આવક થઇ છે. બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. એમ માનવામાં આવી રહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થાય તે રીતે કોઇ પગલા લેવામાં આવશે. કર્ણાટક વિધાનસભાન ચૂંટણી દરમિયાન ૨૦ દિવસ સુધી કિંમતો સ્થિર રહ્યા બાદ ફરી એકવાર ૧૪મી મેથી કિંમતો વધવાની શરૂઆત થઇ હતી. છેલ્લા ૧૦ દિવસના ગાળામાં પેટ્રોલની કિંમતમાં ૨.૮૪ રૂપિયાનો વધારો થઇ ચુક્યો છે. બુધવારના દિવસે કેબિનેટ બેઠક બાદ રવિશંકરે કહ્યું હતું કે, ફ્યુઅલની કિંમતમાં સતત વધારો ચિંતા અને ચર્ચાનો વિષય છે. સરકાર સમગ્ર પ્રક્રિયા ઉપર ધ્યાન આપી રહી છે. મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે છેલ્લા જૂનમાં દર પખવાડિયે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સુધારાની ૧૫ વર્ષ જુની વ્યવસ્થાને ખતમ કરી દીધી હતી અને આંતરરાષ્ટ્રીય બજારની કિંમતો મુજબ નિર્ણય લેવા માટે પેટ્રોલિયમ કંપનીઓને કહ્યું હતું.

(7:28 pm IST)