Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કેરળ બાદ કર્ણાટકમાં પણ નિપાહ વાયરસના મામલા

જીવલેણ નિપાહ વાયરસથી દેશમાં દહેશત ફેલાઈ : કર્ણાટકમાં બે શકમંદ દર્દીઓ સપાટી ઉપર આવ્યા બાદ લોકોમાં દહેશત : દેશના અન્ય રાજ્ય પણ સાવધાન થયા

બેંગ્લોર,તા. ૨૪ : જીવલેણ નિપાહ વાયરસની એન્ટ્રીથી સમગ્ર દેશમાં ભારે દહેશત ફેલાયેલી છે. આ ઇન્ફેક્શને કેરળના કોઝીકોડે જિલ્લાને સૌથી વધારે અસર કરી છે. રાજ્યમાં આ વાયરસના સકંજામાં આવવાથી ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થઇ ચુક્યા છે. આ વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. આ વાયરસ હવે કેરળની સરહદ પાર કરીને કર્ણાટકમાં પહોંચી ગયો છે. એક આરોગ્ય અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, કર્ણાટકમાં બે શકમંદ દર્દીઓની સારવાર ચાલી રહી છે. કેરળમાં મેડિકલ સ્ટાફ તરફથી પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લોકોમાં ફેલાયેલી દહેશતને દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. કર્ણાટકના મેંગ્લોરમાં બે શંકાસ્પદ કેસ સપાટી પર આવ્યા છે. આ બંને દર્દી કેરળના હોવાનું જાણવા મળ્યું છે. આમાથી એકે હાલમાં જ નિપાહ વાયરસગ્રસ્ત દર્દીની મુલાકાત લીધી હતી. કેરળના આરોગ્યમંત્રીનું કહેવું છે કે, ૨૪ કલાકમાં નિપાહ વાયરસના કોઇ નવા કેસ સપાટી ઉપર આવ્યા નથી. તમિળનાડુએ પણ કેરળથી આવેલા લોકોની તપાસ શરૂ કરી દીધી છે. ગોવા સરકારે લોકોને ચેતવણી આપી છે. કેરળ સરકારે લોકોથી કોઝીકોડ, કુન્નુર જિલ્લાની યાત્રા ન કરવા માટે કહ્યું છે. કેરળના આરોગ્યમંત્રી કેકે સેલજાનું કહેવું છે કે, રાજ્યના નિપાહ વાયરસના પ્રકોપને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. લોકોને દહેશતમાં રહેવાની જરૂર નથી. કોઝીકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ૧૭ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. વાયરસના ઇન્ફેક્શન કોઝીકોડ અને મલપ્પુરમ જિલ્લાની બહાર થયા નથી પરંતુ મંત્રીનું કહેવું છે કે, કોઝીકોડમાં નવા મામલામાં બે લોકોને તાવની અસર થયા બાદ નિપાહના શંકાસ્પદ ઇન્ફેક્શન મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી પી વિજયને કહ્યું છે કે, બિમારીથી મરનાર દરેક વ્યક્તિના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીની ઓફિસથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મૃત નર્સના પતિને સરકારી નોકરી આપવામાં આવશે. યુએઇના બે કારોબારીઓ એ કેરળની નર્સ લીનીના બાળકોને મદદ કરવાની ઓફર કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વેપારીએ લીનીની બાળકોના શિક્ષણ ખર્ચને ઉપાડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સહિત જુદા જુદા રાજ્યો દ્વારા પણ નિપાહ વાયરસને લઇને સાવચેતીના તમામ પગલા લીધા છે. જો કે, આ જીવલેણ નિપાહ વાયરસની એન્ટ્રીથી દેશના અનેક ભાગોમાં ભારે ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે.

(7:26 pm IST)