Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

નરેન્દ્રભાઇ મોદીના અેક દેશ, અેક ચૂંટણીના પ્લાન સામે ચૂંટણી પંચ દ્વારા અેક વર્ષ, અેક ચૂંટણીનો પ્રસ્તાવ મુકાયો

નવી દિલ્‍હીઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી અેક દેશ, અેક ચૂંટણી નામના પ્લાનને આગળ વધારવા માંગી રહ્યા છે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા અેક દેશ, અેક ચૂંટણીના બદલે અેક વર્ષ, અેક ચૂંટણીનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ મામલે લૉ કમિશને 24 એપ્રિલે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો હતો. જેમાં ચૂંટણી પંચને એક દેશ, એક ચૂંટણીને લઈને સલાહ માગી હતી. જેના જવાબમાં ચૂંટણી પંચે એક વર્ષ, એક ચૂંટણીનું સૂચન આપ્યું. ચૂંટણી પંચે એકસાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવનું સમર્થન કરવાની સાથે સરકારને કાયદાકીય અને નાણાંકીય સમસ્યાઓ અંગે અવગત પણ કરી.

એકસાથે ચૂંટણી યોજવાના ફાયદા :

-ચૂંટણી ચક્રનો અંત, દર વર્ષે સરેરાશ 5થી વધારે રાજ્યોમાં ચૂંટણી થતી હોવાથી રાજકીય પક્ષો અને ચૂંટણીના મશીનો પર ભારણ વધે છે.

-ચૂંટણી પાછળ સતત વધતો ખર્ચ ઘટશે. ચૂંટણી માટે સરકારી કર્મચારીઓને વારે-વારે નહીં મોકલવા પડે.

-સુરક્ષા સંસાધનો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે પોલીસકર્મીઓનો ઉપયોગ ઓછો થશે.

-થોડા સમય માટે જ આચારસંહિતા લાગૂ થવાથી સામાન્ય સરકારી કામકાજ વારેવારે બંધ નહીં રહે. વારંવાર ચૂંટણી યોજાવાથી આ પ્રકારની સમસ્યાઓ આવે છે.

-ચૂંટણીની સંખ્યા ઘટશે તો ભ્રષ્ટાચાર પર રોક લગાવવામાં મદદ થઈ શકે છે. સાથે જ દલાલો અને કાળુ નાણું પણ ઘટશે.

-સરકારી પ્રક્રિયાઓમાં આવતા વિઘ્નો ઓછા થશે.

એકસાથે ચૂંટણી યોજવાના ગેરલાભ :

-વિવિધતા અને ગઠબંધનની રાજનીતિ ગૂંગળાઈ જશે. જ્યારે આ પ્રકારની સરકારથી લોકશાહીને ફાયદો થાય છે સાથે જ મતદારોનો મૂ઼ડ જાણી શકાય છે.

-જો કેંદ્રમાં બહુમતવાળી સરકાર હશે તો આનાથી રાજ્યોમાં સત્તા વિરોધી ભાવનાની અસર નહીં થાય. સાથે જ કેંદ્ર અને રાજ્યના સંબંધો માલિક અને ગ્રાહકના થઈ જશે.

-પ્રાદેશિક પક્ષોની ભૂમિકા ઘટી જશે.

-કોઈ સરકારને બરખાસ્ત કરવા માટે વિધાન મંડળની શક્તિઓ ઘટી શકે છે કારણકે -કોઈપણ વિપક્ષ ત્યાં સુધી અવિશ્વાસનો પ્રસ્તાવ નથી મૂકી શકતી જ્યાં સુધી તેની પાસે નવી સરકાર બનાવવાની તાકાત ના હોય.

-આનાથી સંસદીય વ્યવસ્થા અને સંઘવાદની ભાવનાની અવગણના થશે. બંધારણના સિદ્ધાંતો સાથે છેડછાડ ગણાશે.

-આનાથી રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દો પર લોકોના વિચારો એક ગણાશે પરંતુ હકીકતમાં બંને અલગ છે.

(7:24 pm IST)