Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મોદી કેરમાં ૧૩૫૪ મેડિકલ પેકેજનું લિસ્ટ તૈયારઃ સારવારનો ખર્ચ પણ નકકી કરાયો

નવીદિલ્હી, તા.૨૪: મોદી કેરના નામથી લોકપ્રિય યોજના નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ (એનએચપીએસ) હેઠળ દેશમાં વિવિધ રોગો અને બીમારીઓની સારવારના ખર્ચ નક્કી કરવાની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે.

આ સ્કીમ હેઠળ કોરોનરી બાયપાસ, ની રિપ્લેસમેન્ટ અને સી-સેકશન વગેરેનો ખર્ચ કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજના (સીજીએચએસ) હેઠળ નિર્ધારિત કિંમત કરતાં ૧૫ થી ૨૦ ટકા ઓછો આવશે. સીજીએચએસમાં સરકારી કર્મચારીઓ, પેન્શનધારકો અને તેમના આશ્રિતોને સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય મંત્રાલયે એનએચપીએસ હેઠળ ૧૩૫૪ મેડિકલ પેકેજનું લિસ્ટ તૈયાર કર્યું છે, તેમાં હૃદયરોગ, આંખની બીમારી, બાળરોગ, કિડની અને યુરિનરી ટ્રેક અને ઓન્કોલોજી (કેન્સર) જેવી ૨૩ સ્પેશિયલ બીમારીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે વર્ટેબલ એન્જિયોપ્લાસ્ટી માટે રૂ.૮૦,૦૦૦નો ખર્ચ થયો છે, જેમાં એક સ્ટેન્ટ લગાવવાની જરૂર હોય છે જયારે સિઝેરિયન સેકશન માટે રૂ.૯,૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે.

આ લિસ્ટમાં બાળકોની સર્જરીની સાથે કેન્સર અને માનસિક બીમારીઓની સારવાર માટેના અલગ અલગ પેકેજનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ દિલ્હીની કોઈ પણ પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટીનો ખર્ચ રૂ. દોઢથી બે લાખ, સી-સેકશનનો ખર્ચ રૂ.૧.૫૦ લાખ અને સંપૂર્ણ ની રિપ્લેસમેન્ટનો ખર્ચ રૂ.૩.૫ લાખ આવે છે. એનએચપીએસનું આ રેટ લિસ્ટ વડા પ્રધાન રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન (એનએચપીએસ) માટે ટેન્ડર ડોકયુમેન્ટનું એક મોડલ છે. એક અંગ્રેજી અખબારે તેની સમીક્ષા કરી છે.

નીતિ આયોગ અને ભારતીય તબીબી સંશોધન કાઉન્સિલની (આઈસીએમઆર) સલાહ પર તૈયાર આ દસ્તાવેજમાં સરકારી લાભ મેળવવાનો દાવો કરવા માટે હોસ્પિટલમાં ઓછામાં ઓછા કેટલા દિવસ દાખલ રહેવાની આવશ્યકતા હશે અને એપ્રૂવલ માટે સર્જરી પહેલાં તેમજ ત્યારબાદની તપાસની જરૂરિયાત અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. આ દસ્તાવેજ પર રાજય સરકારની કોમેન્ટ પણ માગવામાં આવી છે.

(4:01 pm IST)