Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

રાહુલ આકરાપાણીએઃ સંઘની વિચારસરણી ફગાવી દેનાર દેખાવકારો ઉપર ગોળીબાર થયો

તમિળમાં ટ્વીટ કર્યું: કહયું કે તમિળોને દબાવી શકાય નહિ

તમિળનાડુના તુતુકોરીનમાં મંગળવારે થયેલા સ્ટર્લાઇટ વિરોધી દેખાવો અંગે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની વિચારસરણી ફગાવી દેવા બદલ દેખાવકારો પર ગોળીબાર કરીને તેમને મારી નાખવામાં આવ્યા છે.તમિળ લોકોએ આરએસએસની વિચારસરણી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હોવાથી તેમની હત્યા કરવામાં આવી છે. આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો તમિળનાડુ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તમિળમાં કરેલા એક ટ્વિટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમિળનાડુના લોકોને દબાવી શકાય નહીં. કોંગ્રેસ પ્રમુખ તમિળનાડુના લોકોનું સમર્થન કર્યું છે અને તેમને પોતાનો ટેકો આપ્યો છે. તેમણે જણાવ્યું કે પ્રિય તમિળ ભાઇઓ અને બહેનો, અમે તમારી સાથે છીએ. થુથુકુડીમાં સ્ટર્લાઇટ ઇન્ડસ્ટ્રીઝના નવા કોપર સ્મેલ્ટર પ્લાન્ટના નિર્માણ સામે વિરોધ કરનારા દેખાવકારો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ૧૧ લોકો માર્યા ગયા છે અને અન્ય ૬૫થી વધુ લોકો ઘવાયા છે. દરમિયાન દક્ષિણ તમિળ નાડુના થુથુકુડીમાં આવેલા સ્ટર્લાઇટ કોપર પ્લાન્ટના બીજા નંબરના યુનિટનું નિર્માણકામ બંધ કરવાનો મદ્રાસ હાઇકોર્ટે વેદાંતાને આદેશ આપ્યો છે. યુનિટબંધ કરવાની માગણી કરી મંગળવારે યોજવામાં આવેલી એક વિશાળ રેલી હિંસક બનતા રેલીને કાબૂમાં લેવા માટે પોલીસે કરેલા ગોળીબારમાં ૧૧ લોકો માર્યા ગયા છે.આર.ફાતિમા દ્વારા રજૂ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર મદ્રાસહાઇકોર્ટની ડિવિઝન બેંચના ન્યાયમૂ'તઓ એમ. સુંદર અને અનિતા સુમંતા એ વચગાળાનો આદેશ આપ્યો છે. આદેશમાં જાહેર સુનાવણી કર્યા બાદ કંપનીની પર્યાવરણની મંજૂરીના રીન્યુઅલ માટેની અરજીની પ્રક્રિયા ચાર મહિનામાં પુરી કરવાનું જણાવવામાં આવ્યું છે.

(3:57 pm IST)