Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

રૂપિયો ૧૮ મહિનાના તળિયે

સ્ટોક માર્કેટની મંદી અને ક્રુડતેલની તેજીને પગલે રૂપિયામાં એકધારો ઘસારોઃ રૂપિયો નજીકના ભવિષ્યમાં ગગડીને ૭૦ રૂ. સુધી પહોંચવાની ગ્લોબલ એકસપર્ટોની આગાહી

મુંબઈઃ રૂપિયો અમેરિકન ડોલર સામે એકધારો ગગડી રહ્યો છે. ભારતીય રૂપિયો ગઈકાલે અમેરિકન ડોલર સામે ૩૮ પૈસા ગગડીને ૬૮.૪૨ થયો હતો. જે ૧૬, નવેમ્બર, ૨૦૧૬ પછીની સૌથી નીચી સપાટી છે. મંગળવારે રૂપિયો ૬૮.૦૪ ડોલર બંધ રહ્યો હતો. રૂપિયો ગગડતાં એક વર્ષનું રૂપિ પ્રિમિયમ પણ ગઈકાલે ૪.૦૨ ટકા હતું તે વધીને ૪.૦૩ થી ૪.૦૬ ટકા બોલાતું હતું. રૂપિયો- ડોલરનો એક મહિના પછીનો વાયદો ગઈકાલ ૬૮.૪૫ થયો હતો જે મંગળવારે ૬૮.૦૮ હતો.

 

ક્રુડતેલની એકધારી આગળ વધી રહેલી તેજીને પગલે ભારતીય માર્કેટમાં ડોલરની ડીમાન્ડ નીકળતાં તેમજ સ્ટોક માર્કેટની મંદીને પગલે ફોરેન ઈન્વેસ્ટરોની શેરવેચવાલીથી રૂપિયામાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ જુન મહિનામાં ઈન્ટરેસ્ટ રેટ વધારશે તે લગભગ નકકી મનાઈ રહ્યું હોઈ અને યુરોપ- જાપાન અને બ્રિટનના ઈકોનોમિક ડેટા નબળા આવી રહ્યા હોઈ છે. કરન્સીની પેરમાં ડોલર એકધારો સ્ટ્રોંગ બની રહ્યો છે. આજે યુરોપીયન દેશોના મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેકટરના ડેટા તેમજ જાપનના મેન્યુફેકચરિંગ ડેટા નબળા આવતાં છે. કરન્સીઓની બાસ્કેટમાં ડોલરનું મૂલ્ય પાંચ મહિનાની ઊંચાઈએ જળવાયેલું રહ્યું હતું. ડોલરની મજબૂતીથી તમામ એશિયન કરન્સી નબળી પડી હતી. રૂપિયો ટૂંક સમયમાં ગગડીને ૭૦એ પહોંચશે તેવી આગાહી આઈએફએ ગ્લોબલે કરી હતી. આઈએફએ ગ્લોબલના કરન્સી એડવાઈઝરે જણાવ્યું હતું કે ભારતીય સ્ટોક માર્કેટની મંદી અને કરન્ટ એકાઉન્ટ ડેફેસિટ વધી રહી હોઈ રૂપિયા ટૂંક સમયમાં જ ૭૦ની સપાટીએ પહોંચશે. કેટલાંક એનાલીસ્ટોના મતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે પર્યાપ્ત ફોરેકસ રિઝર્વ હોઈ તેની દરમિયાનગીરીથી રૂપિયાની મંદી અટકી શકે છે.(૩૦.૨)

(2:44 pm IST)