Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

આજની શિવસેના હવે બાલ ઠાકરેવાળી રહી નથી : યોગી

પાલઘર લોકસભા પેટાચૂંટણીને લઇને ગરમીઃ ૨૮ મેના દિવસે યોજાનાર મદાન પહેલા જોરદાર ચૂંટણી પ્રચાર : શિવસેનાએ ભાજપની પીઠમાં ખંજર ભોંખી દીધો

મુંબઇ,તા. ૨૪: ૨૮મી મેના દિવસે યોજાનાર પાલઘર લોકસભાની પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમી વધી રહી છે. ભાજપના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોદી આદિત્યનાથે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે આજે શિવસેના બાલ ઠાકરેવાળી પાર્ટી રહી નથી. શિવસેનાએ ભાજપની પીઠમાં ખંજર ભોંખી દીધો છે. શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ હતુ કે શિવસેનાના કર્મ મરાઠા યોદ્ધા મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ કરતા બિલકુલ અલગ છે. શિવસેના પર યોગીએ આક્ષેપોનો મારો જારી રાખ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે પેટાચૂંટણીમાં પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ ચિંતામન વનગાના પુત્રને મેદાનમાં ઉતારીને શિવસેનાએ ભગવા દળના આંતરિક મામલામાં દરમિયાનગીરી કરવાના પ્રયાસ કર્યા છે. યોગીએ કહ્યુ હતુ કે જે રીતે આ પાર્ટીએ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારીને ભાજપની પીઠમાં ઘા કર્યો છે તેનાથી તેઓકહી શકે છે કે બાલ ઠાકરેના આત્માને દુખ થયુ હશે. યોગીએ કહ્યુ હતુ કે બાલા સાહેબ હમેંશા આગળ આવીને નેતૃત્વ કરતા હતા. આજની શિવસેનાએ પીઠ પાછળ ઘા કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે બાલ ઠાકરેવાળી શિવસેના હવે રહી નથી. યોગીએ શિવસેનાની તુલના અફજલ ખાન સાથે કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ પેટાચૂંટણી સરકારની સ્થિરતા પર કોઇ અસર કરશે નહી પરંતુ એક સંદેશ ચોક્કસપણે જશે કે ભારત માત્ર મોદીના નેતૃત્વમાં જ પ્રગતિ કરી શકે છે.

 

આ ટિપ્પણી યોગીએ એ વખતે કરી છે જ્યારે બુધવારે જેડીએસના નેતા કુમારસ્વામીના શપથમાં તમામ બિન ભાજપ નેતાઓ પહોંચ્યા હતા. યોગીએ કહ્યુ  હતુ કે ભાજપની સામે માહોલ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ શિવ સેનાએ પણ પ્રહારો કર્યા હતા. ઉદ્ધવે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ચૂંટણી વેળા જ દેશમાં દેખાય છે ત્યારબાદ બાદ વિદેશ જતા રહે છે. ઉદ્ધવ ઠાકરે પણ પાલઘર લોકસભા પેટાચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે પહોંચ્યા હતા. તેઓએ વસઇમાં રેલી યોજી હતી.

(1:06 pm IST)