Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

રાજસ્થાનીઓએ પેટ્રોલ પૂરાવવા ગુજરાતમાં લાઇનો લગાવી!

આબુ રોડ પર પેટ્રોલના ભાવ ૮૧.૬૨ રૂ. : અંબાજીમાં ૭૬.૭૬ રૂ. ભાવ... અંબાજીમાં રાજસ્થાની વાહનોની લાઇનો

અમદાવાદ તા. ૨૪ : પેટ્રોલના ભાવ વધારાથી દેશભરની પ્રજા પરેશાન છે. કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. સતત ભાવ વધારાને કારણે વિપક્ષ દેશભરમાં ભાવ વધારાનો વિરોધ કરી રહ્યો છે. જોકે, દરેક રાજયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટના દર અલગ અલગ હોવાથી ભાવમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. આથી સરહદની આસપાસ રહેતા લોકો પેટ્રોલ ડીઝલના ઓછા ભાવનો ફાયદો લેવા માટે અલગ અલગ જુગાડ કરી લેતા હોય છે. ગુજરાતની સરહદ રાજસ્થાન સાથે જોડાયેલી છે. અહીં પણ આવા જ જુગાડ જોવા મળી રહ્યા છે.

અંબાજીથી આગળ રાજયની સરહદ પૂરી થાય છે અને રાજસ્થાનની સરહદ ચાલુ થાય છે. હાલ રાજાસ્થાનમાં પેટ્રોલની કિંમત વધારે છે જયારે તેની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ સસ્તું મળી રહ્યું છે. અંબાજીના પેટ્રોલ પંપ પર જોઈએ તો અહીં પેટ્રોલનો ભાવ રૂ. ૭૬.૭૬ પ્રતિ લિટર છે. જયારે આબુરોડ પર એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. ૮૧.૬૨ છે. આથી રાજસ્થાનના વાહનો પેટ્રોલ પૂરાવવા માટે ગુજરાતમાં આવતા હોવાની વાત સામે આવી છે. જોકે, થોડા વર્ષો પહેલા અહીં વિપરીત પરિસ્થિતિ હતી, ગુજરાત કરતા રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું હોવાથી રાજસ્થાનમાં ગુજરાતના વાહનોની કતારો લાગતી હતી.

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની અસર રાજસ્થાનના હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર પડી રહી છે. એક સમય હતો જયારે ગુજરાતથી આવતા વાહનો રાજસ્થાનમાં પેટ્રોલ પૂરાવવાનો આગ્રહ રાખતા હતા, જેના કારણે આ પંપો ધમધમતા હતા. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સરકારે વેટમાં ઘટાડો કરતા પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ હતી. વેટ ઘટવાને કારણે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સસ્તો થઈ ગયો હતો અને રાજસ્થાનમાં ભાવ વધી ગયા હતા.(૨૧.૧૨)

(11:41 am IST)