Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

બેંકો ઉપર ગંભીર સંકટ : ૧૧ બેંકો વિરૂધ્ધ પીસીએ જાહેર

એકાદ - બે બેંકોને બાદ કરતા તમામ બેંકો અબજોની ખોટ તરફ દોડી રહી છે : દેના બેંક - અલ્હાબાદ બેંક વોચ લીસ્ટમાં

મુંબઇ તા. ૨૪ : વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી. આવા અનેક ગઠીયાઓને કારણે નોન પર્ફોમિંગ એસેટ્સ એટલે કે એનપીએના બોજ હેઠળ દેશની મોટા ભાગની સરકારી બેંકો દબાઇ છે. અને હવે હાલત એવી છે કે તમામ સરકારી બેંકો ખોટના ખાડામાં જઇ રહી છે. તમામ બેંકો પર અધધધ કહી શકાય તેટલી રકમનો ભારે બોજ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સૌથી વધુ નુકસાન પંજાબ નેશનલ બેંકને થયું છે. પીએનબીને ૧૨૧૩૦ કરોડ રૂપિયાના નુકસાન સાથે પ્રથમ ક્રમે છે. તો બીજા ક્રમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. એસબીઆઇને ૭૭૧૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ ૫૮૭૧.૭૪ કરોડ રૂપિયાના નુકસાન સાથે ત્રીજા નંબર પર છે. અત્યાર સુધી ફકત બે જ સરકારી બેન્કો વિજયા બેંક અને ઇન્ડિયન બેંકે નફો મેળવ્યો છે. વિજયા બેંકને ૭૨૭ કરોડ અને ઇન્ડિયન બેંકને ૧૨૫૮ કરોડનો નફો થયો છે.

આરબીઆઇએ અત્યાર સુધીમાં ૧૧ સરકારી બેંકો વિરૂદ્ઘ પ્રોમ્પ્ટ કરેકિટવ એકશન એટલે કે પીસીએ જાહેર કર્યું છે. જયારે કે દેના બેંક અને અલાહાબાદ બેંકને વોચલિસ્ટમાં રાખી છે. પીસીએ હેઠળ આવનારી ૧૧ બેંકોમાં દેના બેંક, અલાહાબાદ બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન બેંક, આઇડીબીઆઇ બેંક, યુકો બેંક, બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

સરકારે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ પછીના બે વર્ષોમાં સરકારી બેંકોમાં ૨ લાખ ૧૧ હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ગત વર્ષે કેન્દ્ર સરકારે ૮૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. જેમાં પીસીએ હેઠળ આવેલી ૧૧ સરકારી બેંકોને ૫૨૩ અબજ રૂપિયા મળ્યા હતા. જયારે બાકીની ૧૦ સરકારી બેંકોને ૩૫૮ અબજ રૂપિયા અપાયા હતા.

ઉલ્લેખનીય છે કે પીસીએ હેઠળ આવનારી બેંકોએ કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. જે અંતર્ગત બેંકોને નવી બ્રાન્ચ ખોલવાથી અટકાવવામાં આવી શકે છે તેમજ તેના વિવિધ આયોજનને મળી રહેલી રાહત પર પણ રોક લગાવાઇ શકે છે. તેમાં પણ જો બેંકની હાલત વધુ નબળી થાય તો આરબીઆઇ તે નબળી બેંકનું કોઇ મજબૂત બેંક સાથે વિલીનીકરણ પણ કરી શકે છે.(૨૧.૮)

(11:38 am IST)