Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કલકત્તાનો સતત ચોથો પરાજય : રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે હરાવ્યુ : સંજૂ સેમસને અણનમ 42 રન ફટકાર્યા : ક્રિસ મોરીસે 4 વિકેટ ઝડપી

જયદેવ ઉનડકટ, ચેતન સાકરીયા અને મુસ્તફીઝુર રહેમાને એક -એક વિકેટ ઝડપી

IPL 2021 ની 18 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મુંબઇમાં રમાઇ હતી. જેમાં રાજસ્થાને જીત મેળવી હતી. સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ કલકત્તાને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. કલક્તાએ નિયમીત રીતે વિકેટો ગુમાવતા ધીમી રન રેટ થી સ્કોર કર્યો હતો. ક્રિસ મોરીસે) 4 વિકેટ ઝડપી હતી. કલકત્તાએ 20 ઓવરના અંતે 9 વિકેટે 133 રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાને 18. 4 ઓવર કરીને જીતના 133 રન 4 વિક્ટ ગુમાવીને કરી લીધા હતા. આમ સતત ચોથી મેચ કલકત્તાએ ગુમાવી હતી.

શરુઆતમાં જોસ બટલરની વિકેટ ઝડપ થી રાજસ્થાન ગુમાવી હતી, તેણે 5 રન કરીને જ વિકેટ ગુમાવી હતી. જે વખતે ટીમનો સ્કોર 21 રન હતો. યશવી જયસ્વાલના રુપમાં બીજી વિકેટ 40 રને ગુમાવી હતી. તેણે 22 રન 17 બોલમાં કર્યા હતા. શિવમ દુબે એ 18 બોલમાં 22 રન કર્યા હતા. રાહુલ તેવટીયા 5 રન કરીને આઉટ થયા હતા. સંજૂ સેમસને અણનમ 42 રન કર્યા હતા. ડેવિડ મિલરે 24 રન કર્યા હતા. સંજૂ સેમસન અને મિલરે ધીરજ પૂર્વક રમતને જીત તરફ આગળ વધારી જીત મેળવી હતી.

વરુણ ચક્રવર્તીએ 4 ઓવર કરીને 32 રન આપી 2 વિકેટ ઝડપી હતી. શિમવ માવીએ 4 ઓવર કરીને 19 રન આપી એક વિકેટ ઝડપી હતી. સુનિલ નરેને 4 ઓવર કરીને 20 રન આપ્યા હતા, પરંતુ તેને વિકેટ મેળવવામાં સફળતા મળી શકી નહોતી. પ્રસિદ્ધ કૃષ્ણાંએ 3 ઓવર કરી ને 20 રન આપ્યા હતા. જ્યારે તેણે એક વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સે 3.4 ઓવર કરીને 35 રન આપ્યા હતા.

રાજસ્થાન સામે પ્રથમ બેટીંગ ઇનીંગ ટોસ હારીને રમનાર કલકત્તાએ નિયમીત વિકેટો ગુમાવી હતી. સિઝનમાં શરઆત થી જ કલકત્તાને ટોપ ઓર્ડરની નિષ્ફળતાની સમસ્યા સતાવે છે, સમસ્યા જારી રહી હતી. ઓપનર શુભમન ગીલ ટીમના 24 રનના સ્કોર પર પ્રથમ વિકેટ રુપે આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 11 રન કર્યા હતા. ઓપનર નિતીશ રાણા 22 રન કરીને આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી એ 26 બોલમાં 36 રન કરીને સ્કોર બોર્ડને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ મુસ્તફિઝુરનો શિકાર થતા આઉટ થયો હતો. સુનિલ નરેન ફરીએકવા ફ્લોપ શો રહ્યો હતો, તે માત્ર 6 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન ઇયોન મોર્ગન શૂન્ય રને જ કમનસીબ રીતે રન આઉટ વિકેટ ગુમાવી બેઠો હતો. દિનેશ કાર્તિક 25 રન કરીને આઉટ થયો હતો. આંદ્રે રસેલે 9 રન બનાવ્યા હતા.

ક્રિસ મોરીસે 4 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા. જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 25 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ચેતન સાકરીયાએ 4 ઓવર કરીને 31 રન આપી એક વિકેટ ઝડપી હતી. મુસ્તફીઝુર રહેમાને 4 ઓવરમાં 22 રન આપ્યા હતા સાથે જ એક વિકેટ પણ મેળવી હતી. રાહુલ તેવટીયાએ 3 ઓવરમાં 24 રન આપ્યા હતા. શિવમ દુબેએ એક ઓવર કરીને 5 રન આપ્યા હતા.

(11:49 pm IST)