Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ભારત બાયોટેકે કોવાક્સિનના નક્કી કર્યા ભાવ : રાજ્ય સરકારોને 600 અને ખાનગી હોસ્પિટલોને ડોઝ દીઠ રૂ. 1200 ચૂકવવા પડશે.

દેશની ઘણી રાજ્ય સરકારોએ આગામી તબક્કા માટે તેમના લોકોને વિના મૂલ્યે રસી આપવાની જાહેરાત કરી

નવી દિલ્હી : સ્વદેશી કોરોના રસી નિર્માતા ભારત બાયોટેકે  આગામી તબક્કાની રસીકરણ પ્રક્રિયા માટે કોવાક્સિનનાભાવની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલોએ કોવાક્સિનના દરેક ડોઝ માટે અલગ અલગ ભાવ ચૂકવવા પડશે. રાજ્ય સરકારે કોવાક્સિનના ડોઝ માટે રૂ. 600 જ્યારે ખાનગી હોસ્પિટલોએ ડોઝ દીઠ રૂ. 1200 ચૂકવવા પડશે.

દેશમાં કોરોનાની રસીકરણનો આગામી તબક્કો 1 મેથી શરૂ થશે. આ તબક્કામાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. જો કે આ માટે રસીનો ભાવ અલગથી રાખવામાં આવ્યો છે. રસીના ભાવ જાહેર કરતાં ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, ભારત સરકારની સૂચના મુજબ અમે કોવાક્સિન વેક્સિનની કિંમત જાહેર કરીએ છીએ. રાજ્ય સરકારની માલિકીની સરકારી હોસ્પિટલો માટે ડોઝ દીઠ રૂ. 600 અને ખાનગી હોસ્પિટલો માટે ડોઝ દીઠ રૂ. 1200 લેવામાં આવશે.

દેશની ઘણી રાજ્ય સરકારોએ આગામી તબક્કા માટે તેમના લોકોને વિના મૂલ્યે રસી આપવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યો છે, જ્યાં કોવિડની રસી નિશુલ્ક જાહેર કરવામાં આવી છે. ભારતમાં સ્વદેશી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકના કોવાક્સિન નામની બે રસીઓને જાન્યુઆરીમાં દેશમાં કટોકટીના સમયે ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

(11:43 pm IST)