Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ઓક્સિજન ટેન્કના ચાર કન્ટેનર ભરવા વિમાન સિંગાપુર પહોંચ્યા

દેશમાં ઓક્સિજનની અછત ઘાતક પુરવાર થઈ રહી છે : વાયુસેના દ્વારા ઓક્સિજન ટેન્કરોને વિમાનો થકી દેશમાં વિવિધ ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચાડવાનું શરૂ કરાયું

નવી દિલ્હી, તા.૨૪ : દેશમાં કોરોનાની જીવલેણ લહેર વચ્ચે ઓક્સિજનની તંગી વધારે ઘાતક પૂરવાર થઈ રહ્યા છે. લોકો ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે ત્યારે ભારતીય વાયુસેનાએ ઓક્સિજન સપ્લાય માટે મોરચો સંભાળ્યો છે. શુક્રવારથી વાયુસેનાના વિમાનો ઓક્સિજન પહોંચાડવા માટે કામે લાગી ચુક્યા છે. આજે વાયુસેનાના સી-૧૭ વિમાનો ઓક્સિજન ટેક્નના ચાર કન્ટેનર ભરવા માટે સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યા છે. આ ચાર કન્ટેનરને ઓક્સિજન સાથે લોડ કરીને આ વિમાનો આજે સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના પનાગર એરબેઝ પર ઉતરશે. આજે આ વિમાનોએ ગાઝીયાબાદના હિન્ડન એરબેઝથી સિંગાપુર જવા માટે ઉડાન ભરી હતી. આ પહેલા ગઈકાલે વાયુસેના દ્વારા ઓક્સિજન ટેક્નરોને વિમાનો થકી દેશમાં વિવિધ ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચાડવાનુ શરુ કરી દીધુ છે. જેથી ઓક્સિજન દર્દીઓ સુધી વહેલી તકે પહોંચી શકે.

આ સિવાય વાયુસેના દેશના વિવિધ વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ માટે દવાઓ અને બીજા ઉપકરણો પણ પહોંચાડી રહી છે. ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યુ છે અને ભારતની મુશ્કેલી હળવી કરવા વાયસેનાએ પોતાના સી-૧૭, આઈએલ-૭૬, એન-૩૨ જેવા માલવાહક વિમાનોને કામે લગાડ્યા છે.

(9:09 pm IST)