Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

બિલ જમા ન કરતા બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનો મૃતદેહ પરિવારજનોને સોંપવાનો મુંબઇની રહેજા હોસ્પિટલે ઇન્કાર કરી દીધો

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનો મૃતદેહ આપવાનો મુંબઈની રહેજા હોસ્પિટલે ઇનકાર કરી દીધો છે. જ્યારે હોસ્પિટલના વહીવટીતંત્રને આ નિર્ણયના કારણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ ચોંકાવનારા જવાબ આપ્યા.

10 લાખ રૂપિયાનું બિલ બન્યું કારણ

કેઆરકે બોક્સ ઓફિસ ઇન્ડિયાએ પોતાના ટ્વીટમાં દાવો કર્યો છે કે, હોસ્પિટલે શ્રાવણકુમાર રાઠોડનો મૃતદેહ તેના પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયાનું બિલ જમા નહીં કરવા બદલ આપવાની ના પાડી હતી. આ વાત પણ સામે આવી છે કે, રાઠોડના નામે એક હેલ્થ પોલિસી છે, તેના અંતર્ગત આખું બિલ વીમા કંપની જમા કરશે. પરંતુ હોસ્પિટલના વહીવટીતંત્રે એડવાન્સમાં બિલ જમા કરાવાની જીદ કરી છે. જો કે, હજી સુધી આ અંગે શ્રવણ કુમાર રાઠોડના પરિવારનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

કોરોનાના કારણે થયું સંગીતકારનું મોત

તમને જણાવી દઈએ કે શ્રાવણકુમાર રાઠોડનું ગુરુવારે સાંજે કોરોના વાયરસને કારણે અવસાન થયું હતું. તાજેતરમાં જ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શ્રવણ વેન્ટિલેટર સપોર્ટ પર પણ હતા. પરંતુ 66 વર્ષની ઉંમરે તેમણે વિશ્વને અલવિદા કહ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજીવ રાઠોડ, પત્ની અને શ્રવણ કુમાર રાઠોડનો પુત્ર પણ કોરોના પોઝિટિવ છે, જેની હોસ્પિટલમાં જ સારવાર ચાલી રહી છે.

(4:51 pm IST)