Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ભારતમાં કોરોના ઘાતક બનતા અન્ય દેશોની મદદની ઓફર

પાકિસ્તાનની એક ચેરીટી સંસ્થાએ પણ મદદ માટે ઓફર કરી

નવીદિલ્હીઃ પાકિસ્તાન સ્થિત ચેરિટી ગ્રૂપ, અબ્દુલ સત્તાર એધિ ફાઉન્ડેશને ભારતને કોવિડ -૧૯ રોગચાળાની જીવલેણ બીજી લહેર સામે લડવામાં મદદની ઓફર કરી છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ફૈઝલ એધીએ ભારતને ''અપવાદરૂપે'' અસરગ્રસ્ત રોગચાળાને પહોંચી વળવા એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સ્ટાફની ઓફર કરી છે એધી ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સ સેવા 'પાકિસ્તાનની મધર ટેરેસા' ગણાતા દિવંગત અબ્દુલ સત્તાર એધિ દ્વારા શરૂ કરવામાં આવી હતી. એધિનો જન્મ ગુજરાતમાં થયો હતો, પરંતુ પાર્ટીશન દરમિયાન કરાચી જતો રહ્યો હતો. છ દાયકાથી વધુ સમય દરમિયાન, તેમણે પાકિસ્તાનને તેમની ટીમના રૂપમાં એક અસાધારણ ખાનગી સખાવતી પહેલ પ્રદાન કરી છે જે દેશભરમાં કામ કરે છે, જેમાં ઉત્તર પશ્ચિમ અને બલુચિસ્તાન જેવા સંઘર્ષનો સામનો કરી રહેલા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

 શ્રી ફૈઝલ એધીએ એવી રજૂઆત કરી હતી કે તેમની ટીમ ભારતના સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે કામ કરશે અને જ્યાં પણ અધિકારીઓ નિયુકત થાય ત્યાં તેમની ટીમને 'તૈનાત' કરવાની તૈયારી બતાવી.

દેશમાં કોરોના વાયરસથી બગડેલી સ્થિતિ વચ્ચે અમેરિકા અને બ્રિટને કહ્યુ છે કે તે આ મહામારી સામે લડવામાં ભારતની મદદ કરશે. વ્હાઈટ હાઉસે કહ્યુ છે કે અમેરિકા આ કોરોના સંકટથી ભારતને ઉભરવામાં દરેક સંભવ મદદ કરશે. વ્હાઈટ હાઉસે કહ્યુ છે કે કોવિડ-૧૯ સામે લડવા માટે ભારતની મદદ કરવાની રીતો વિશે અમે ગંભીરતાથી કામ કરી રહ્યા છે. વળી, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યુ છે કે તે ભારતની બગડતી સ્થિતિને જોતા ઘણા ચિંતામાં છે. પીએમ બોરિસ જોનસને કહ્યુ છે કે તેઓ જોઈ રહ્યા છે કે છેવટે આ મહામારીના સમયમાં ભારતની કેવી રીતે મદદ કરી શકાય છે. તેમણે એ પણ કહ્યુ છે કે કોરોના વાયરસ બહુ જ ખતરનાક થઈ રહ્યો છે.

(3:00 pm IST)