Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

મહારાષ્ટ્રમાં ૭૭૩ તો દિલ્હીમાં ૩૪૮ મોત

યુપીમાં વીક એન્ડ કર્ફયુ : કોરોનાનું તાંડવ

નવી દિલ્હી તા. ર૪ :.. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં રોજરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. છેલ્લા ર૪ કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસ શુક્રવારે ૩,૩ર,૭૩૦ કેસ નોંધાયા. મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત કેટલાય રાજયોમાં કોરોના બેકાબૂ બનતો દેખાઇ રહ્યો છે. સ્થિતિ એવી છે કે હવે હોસ્પીટલોમાં બેડ, ઓકસીજન જેવી જરૂરી વસ્તુઓની અછત થવા લાગી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ચાલુ જ છે. અહીં ગત ર૪ કલાકમાં ૬૬૮૩૬ નવા કેસો જાહેર થયા. ૭૪૦૪પ સાજા થયા અને ૭૭૩ ના મોત થયા. મહારાષ્ટ્રમાં અત્યારે એકટીવ કેસ ૬,૯૧,૮પ૧ છે અને કોરોના કુલ કેસની સંખ્યા ૪૧,૬૧,૬૭૬ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૬૩,રપર લોકોના જીવ ગયા છે. ફકત મુંબઇમાં જ ર૪ કલાકમાં ૭ર૭૧ નવા કેસ આવ્યા, ૯પ૪૧ સાજા થયા અને ૭ર લોકોના મોત થયા છે.

તો રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનું સંકટ રોજેરોજ વધતું જાય છે. દિલ્હીમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ર૪૩૩૧ નવા કેસ આવ્યા અને ૩૪૮ ના મોત થયા. દિલ્હીમાં એકટીવ કેસ વધીને ૯ર૦ર૯ થયા  છે. દિલ્હીમાં ઘણી હોસ્પીટલો હાઉસ ફુલ છે તો ઓકસીજનનો ઓછો સ્ટોક પણ ચિંતામાં વધારો કરે છે.

યુપીમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધતા જાય છે. છેલ્લા ર૪ કલાકમાં ૩૭ર૩૮  નવા કેસ આવ્યા જે રાજયમાં અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધારે કેસ છે. ઉતર પ્રદેશમાં શનિ-રવિ એમ બે દિવસનો વીક એન્ડ કર્ફયુ જાહેર કરી દેવાયો છે.

(11:51 am IST)