Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સરકારની ભુલને કારણે વાયરસ ગાંડોતુર થયો

કોરોનાની પહેલી લહેરે મોદીની ઇમેજને ચાર ચાંદ લગાડયાઃ બીજી લહેરે ઇમેજ બગાડી

વિશ્વના અખબારોએ સરકારની કામગીરીની ટીકા કરીઃ કુંભ-ચૂંટણી અંગે ટીકા

નવી દિલ્હી, તા.૨૪: વડાપ્રધાન મોદી પોતાની ઇમેજ માટે ખાસ સતર્ક રહે છે પણ કોરોનાની બીજી સુનામી જેવી લહેરે તેમની તસ્વીરને છીન્ન -ભીન્ન કરી નાખી છે. વિદેશી મીડીયાએ તેમને એવા નાટક ગણાવ્યા જે પોતાની ખોટી નીતિઓના કારણે ખલનાયકમાં ફેરવાઇ ગયા છે. વિશ્વના મોટા અખબારોનું કહેવું છે કે મોદીએ લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે આપણે કોરોનાને હરાવી ચૂકયા છીએ પણ તે ખોટું હતું.

વિદેશી પ્રેસ અનુસાર, પહેલી લહેરમાં સૌથી કડક રાષ્ટ્રીય લોકડાઉન લગાવીને મોદીએ વાયરસને લગભગ રોકી દીધો હતો પણ બીજી લહેરે તેમને કયાંય ના રહેવા દીધા. સ્થિતી એવી છે કે હોસ્પિલોમાં ઓકસીજન નથી, તો દર્દીઓની લાશો શબઘરોમાં જયાં ત્યાં પડી છે. 'ધ ગાર્ડીયને' પોતાની મેઇન સ્ટોરીમાં જે ફોટો મૂકયો છે તેમાં સ્મશાનમાં સળગી રહેલી ચિંતાની ઉંચી જવાળાઓ દર્શાવાઇ છે. તેનું હેડીંગ છે 'ધ સીસ્ટમ હેઝ કોલેપ્સ્કઃ ઇન્ડિયાઝ ડીસેન્ટ ઇન ટુ કોવીડ હેલ'

'ધ ટાઇમ્સ લંડને પણ મોદી પર જોરદાર હુમલો કર્યો છે. આ અખબારની હેડલાઇન છે' 'બીજી સુનામીમાં ફસાયા મોદી' અખબારે ભારત સરકારને કઠેડામાં ઉભી કરતા લખ્યું કે રોજના ત્રણ લાખથી વધારે કેસ આવી રહયા છે. સરકારે પરિસ્થિતીને નજરઅંદાજ કરી જેના કારણે આટલી મોટી મુશ્કેલી આવી છે. આ ખરેખર અત્યંત ગંભીર પરિસ્થિતી છે. તેમ જનસત્તા-ઇન્ડિયા એકસપ્રેસ જણાવે છે.

ગ્લોબલ પ્રેસના નિશાન પર અત્યાર સુધી બ્રાઝીલ હતું, પણ હવે પત્રકારોની કલમ મોદી સરકારના છોડીયા કાઢી રહી છે. અખબારોનું કહેવું છે કે સરકારની નાસમજીના કારણે આ સંકટ ઉભુ થયું છે. હિંદુઓ નારાજ ના થાય એટલા માટે કુંભ જેવા મેળાની છૂટ આપી તો બંગાળ ચુંટણીમાં મોદી રેલીઓ પર રેલીઓ કરતા રહયા. તેનાથી પરિસ્થિતી કાબૂ બહાર જતી રહી. અખબારોએ પોતાના મેઇન પેજ પર કુંભમેળાના ફોટાઓ પણ પ્રકાશિત કર્યા, જેમાં લોકો માસ્ક વગર દેખાય છે.

'ધ ટાઇમ્સે' લખ્યુ છે કે બીજી લહેરની ઝડપે સરકારને અણધડ સાબિત કરી દીધી છે. ૨૦૨૦ની ભૂલોમાંથી તેણે કોઇ પાઠ નથી લીધો અને નવી ભૂલોનો પટારો ખોલી નાખ્યો. આજે ભારતના લોકો અત્યંત ગંભીર સંકટનો સામનો કરી રહયા છે. દેશ ઉંધા માથે પછડાઇ ચૂકયો છે. આ અખબારે બંગાળની રેલીઓ બાબતે પણ મોદી પર નિશાન તાકયું છે. રેલીઓમાં માસ્ક વગરના લોકો હતા પણ પીએમ કહી રહયા હતા કે મેં મારા જીવનમાં આટલી મેદની નથી જોઇ, જયાં સુધી નજર પહોંચે ત્યાં સુધી લોકો દેખાય છે.

'ધ ફાઇનાન્સીયલલ ટાઇમ્સ' તીખા તેવર માટે જાણીતુ નથી પણ તેણે પણ મોદી સરકારના છોતરા કાઢવામાં કંઇ બાકી નથી રાખ્યું. 'ધ વોશીંગ્ટન એ પોતાની સ્ટોરીમાં યુપીના કબ્રસ્તાનોના હવાઇ ફોટો મુકયા છે. તેણે લખ્યું છે કે આ લહેર નથી પણ એક દિવાલ છે. ૨૪*૭ લાશોના અંતિમ સંસ્કાર થઇ રહયા છે તેમ છતાં પણ સ્મશાનોમાં જગ્યા નથી. પોતાની સ્ટોરીમાં સરકારને કઠેડામાં ઉભી કરતા તેણે લખ્યું છે કે સરકારે રસીકરણ બહુ ધીમે ધીમે કર્યુ અને પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવી દીધા તેના લીધે હાલત બગડી છે.

(10:56 am IST)