Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

રાજકોટમાં આજે ૬૨ મોતઃ નવા ૩૦૧ કેસ

હાલમાં ૫૧૬૩ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૩૦,૧૬૭ થયોઃ આજ દિન સુધીમાં ૨૪,૫૭૦ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૨.૨૬ ટકા થયો

રાજકોટ તા. ૨૪: શહેર - જિલ્લામાં કોરોનાનાં કેસ અને મોતનો આંક દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૬૨નાં મૃત્યુ થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૩૦૧ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૩નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૪નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૭૦ બેડ ખાલી છે.

નોંધનીય છે કે, શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૬૫૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં  ૬૨ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ફરી ત્રેવડી સદી કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૦૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૦,૧૬૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૩,૮૦૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૨૬  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૫૩ ટકા થયો  હતો. જયારે ૫૪૨ દર્દીઓ સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૯,૨૮,૪૯૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૦,૧૬૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૨૨ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૫૧૬૩  દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:58 pm IST)