Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ચાલતી એમ્બ્યુલન્સમાંથી બહાર પડયો કોરોના સંક્રમિત મૃતદેહ : પરિવારજનોમાં આક્રોશ

જર્જરિત એમ્બ્યુલન્સ ગેટ ખુલ્યો અને કોરોનાથી સંક્રમિત મૃતદેહ એક તરફ રસ્તા પર પડી ગયો

ભોપાલ,તા. ૨૪: મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં કોરોના રોગચાળાને કારણે મૃત્યુનો ગ્રાફ સતત વધી રહ્યો છે. શુક્રવારે અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસથી દર્દીઓના મોત થયા પરંતુ જિલ્લા હોસ્પિટલ મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્ર આ અહેવાલો બહાર આવવા દેતા નથી. કોરોનાથી અત્યાર સુધીમાં ૧૪ લોકોની મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ વચ્ચે એક મોટી બેદરકારી પણ પ્રકાશમાં આવી છે. મેડિકલ કોલેજની બહાર ઝડપે જતી એમ્બ્યુલન્સમાંથી કોરોનાથી સંક્રમિત મૃતદેહ પડી ગયો હતો. આ જોઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો.

આ ઘટના વિદિશાની અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજમાં માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકાઈ હોય તેવી ઘટના જોવા મળી. અહીં મૃતદેહને લઈને એમ્બ્યુલન્સ મુકિતધામ તરફ જઇ રહી હતી. તે દરમિયાન જર્જરિત એમ્બ્યુલન્સ ગેટ ખુલ્યો અને કોરોનાથી સંક્રમિત મૃતદેહ એક તરફ રસ્તા પર પડી ગયો.

આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ જોઈને પરિવારજનોએ હોબાળો મચાવ્યો. તેઓ કહે છે કે અમને કોઈ માહિતી આપવામાં આવી નથી અમે ૨ દિવસથી પરેશાન છીએ. આ અંગે એસડીએમ કહે છે કે અમે બધા લોકોને અંદર જવાની મંજૂરી આપી શકતા નથી. અંદર ફોન ઉઠાવવાના સવાલની વાત કરીએ તો ડોકટરો સારવાર કરી રહ્યા છે. જે લેન્ડલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે તેના પર કોઈ માહિતી મળી રહી નથી. એ વાત સાચી છે કે પરિવારજનો પોતાના દર્દીની માહિતી મેળવવા માંગે છે.

(10:10 am IST)