Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

મનાલીમાં એપ્રિલમાં બરફ વર્ષા, ૨૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

કોરોનાની વચ્ચે હવામાને પણ કરવટ બદલી : ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ગુરુવારે રાતે પડેલા ભારે વરસાદ અને બરફના કારણે વ્યાપક નુકસાન

નવી દિલ્હી, તા. ૨૩ : કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં હવામાન પણ કરવટ બદલી રહ્યુ છે. દેશના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ગુરુવારે રાતે પડેલા ભારે વરસાદ અને બરફના કારણે વ્યાપક નુકસાન થયુ છે.

મનાલીમાં છેલ્લા ૨૫ વર્ષનો રેકોર્ડ તુટયો છે અને એપ્રિલ મહિનામાં બરફ પડ્યો છે. આવુ છેલ્લે ૧૯૯૬માં થયુ હતુ.કુલ્લુ ખીણમાં પણ બરફવર્ષાના કારણે જન જીવન પર તેની વ્યાપક અસર પડી છે. રોહતાંગને જોડતી અટલ ટનલ રોહતાંગ હાઈવે પર પડેલા ભારે બરફના કારણે હાલમાં બંધ કરાઈ છે . રોહતાંગમાં ૧૪૦, બારાલાચામાં ૧૬૦, કુંજુમ દર્રામાં ૧૦૦ સેન્ટીમેટર બરફ પડ્યો છે અને તેના કારણે આ વિસ્તારમા હાઈવે મેન્ટેઈન કરવાનુ કામ કરનાર સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની ચિંતા વધી ગઈ છે. લાહોલ અને કુલ્લુ વેલીમાં ૧૦૦ થી વધારે રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બીજી તરફ સફરજનની ખેતીને બદલાયેલા હવામાનના કારણે ભારે નુકસાન થાય તેવી વકી છે. ઉંચાઈ વાળા વિસ્તારોમાં તો સફરજનની ખેતીને ૫૦ થી ૮૦ ટકા નુકસાન થશે.

રાજધાની સિમલામાં એક જુની બહુમાળી ઈમારત ધરાશયી થઈ છે. જોકે અહીં રહેનારા લોકોને પહેલા જ સલામત સ્થળે ખસેડી લેવાયા હોવાથી જાન માલનુ નુકસાન થયુ નથી.

(12:00 am IST)