Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

બોર્ડર પર બેઠેલા ખેડૂતો રસી લેશ, ટેસ્ટ નહીં કરાવે : ટિકૈત

કોરોનામાં પણ ખેડૂત આંદોલન ઉગ્ર બનાવવાની તૈયારી : ખેડૂતો રસી ત્યારે જ લેશે જ્યારે અડધા પોલીસ કર્મીઓ રસી લગાવશે, તેમને સરકાર પર બિલકુલ વિશ્વાસ નથી

નવી દિલ્હી, તા. ૨૩ : દેશ પર આવી પડેલા કોરોના સંકટ વચ્ચે પણ ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.

આજે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે હરિયાણાના હિસારમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, સરકારનો આખા દેશમાં વિરોધ છે. એક થી દોઢ મહિના પછી સૌથી વધારે ખેડૂત સભાઓ યુપીમાં થશે. દિલ્હીની બોર્ડર પર જ હરિયાણા આવેલુ છે. એટલે આ વિસ્તારના ખેડૂતોની જવાબદારી વધી જાય છે કે આંદોલનને વધારે મજબૂત બનાવે. કોરોના વેક્સીન અંગે ટિકૈતે કહ્યુ હતુ કે, બોર્ડર પર બેઠેલા ખેડૂતો રસી લેશે પણ કોરોના ટેસ્ટ નહીં કરાવે. અમે તો રસી પણ ત્યારે જ લઈશું જ્યારે અડધા પોલીસ કર્મીઓ રસી લગાવશે. અમને આ સરકાર પર બિલકુલ વિશ્વાસ નથી. કોરોના તો એક પ્રકારનો તાવ જ છે.

ટિકૈતે સવાલ કર્યો હતો કે, કોરોના જો એટલો ખતરનાક હોય તો કેટલાક લોકો બંગાળમાં રેલી કેમ કરી રહ્યા છે. કોરોનાને આપણે તાવ જ કહી શકીએ. જો લોકોને ઓક્સિજન નથી મળી રહ્યો તો સરકારે રાજીનામુ આપી દેવુ જોઈએ.

તેમણે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, ભાજપે અમારી સાથે દગો કર્યો છે. બંગાળની જનતા સાથે પણ દગો કરી રહી છે. હજી તો ખેડૂત આંદોલનને પાંચ જ મહિના થયા છે. જો સરકાર પાંચ વર્ષ શાસન કરી શકતી હોય તો ખેડૂત આંદોલન પણ પાંચ વર્ષ ચાલી શકે છે.

(12:00 am IST)