Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

એન્ટિલિયા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટરની ધરપકડ

મનસુખ હિરેન કેસમાં NIAની સઘન તપાસ જારી : તપાસ એજન્સીએ અગાઉ આ કેસની તપાસ દરમિયાન સચિન વાઝે અને રિયાઝ કાજીની પણ ધરપકડ કરી હતી

નવી દિલ્હી, તા. ૨૩ : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ એન્ટીલિયા અને મનસુખ હિરેન મર્ડર કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ ૧૧ના ઈન્સપેક્ટર સુનીલ માનેની ધરપકડ કરી છે. સુનીલ માને આ કેસમાં ધરપકડ થઈ હોય તેવા ત્રીજા અધિકારી છે. કેસ વખતે સુનીલ માને યુનિટ ૧૧ના સીનિયર પીઆઈ હતા. વિવાદમાં નામ આવ્યા બાદ તેમની બદલી કરી દેવામાં આવી હતી.

તપાસ એજન્સીએ અગાઉ આ કેસની તપાસ દરમિયાન સચિન વાઝે અને રિયાઝ કાજીની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ મુંબઈ પોલીસના ઈન્સપેક્ટર સુનીલ માનેને ગુરૂવારે અંબાણી કેસ અને મનસુખ હિરેન મર્ડર કેસમાં શંકાસ્પદ ભૂમિકાને લઈ પુછપરછ માટે બોલાવ્યો હતો અને બાદમાં ધરપકડ કરી હતી.

સુનીલ માનેને શુક્રવારે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તપાસ એજન્સી તેની કસ્ટડીની માંગ કરશે. કેન્દ્રીય એજન્સીએ અગાઉ આ કેસમાં કુલ ૪ લોકોની ધરપકડ કરેલી છે જેમાં મુંબઈ પોલીસના બે અધિકારી સચિન વાઝે અને રિયાઝ કાજીનો સમાવેશ થાય છે.

(12:00 am IST)