Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માટે હાર્દિક પટેલે કરેલો પ્રચાર

કોંગ્રેસમાં હાર્દિક પટેલનું કદ હવે રાષ્ટ્રીય સ્તરે વધ્યું : કોંગ્રેસ માટે હાર્દિક પટેલ જનસભાની સાથે સાથે રોડ શો કરી રહ્યો છે : ઉત્તરપ્રદેશના ગામોમાં હાર્દિક પટેલ પ્રચાર કરશે

અમદાવાદ, તા.૨૪ :  ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું વોટિંગ પૂરું થઇ ગયું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની બધી જ ૨૬ સીટો પર વોટિંગ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું વોટિંગ પૂરું થયા પછી કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ હવે ઉત્તરપ્રદેશમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં જોડાઈ ગયા છે. સ્ટાર પ્રચારક તરીકે તેમની પહેલી વિઝીટ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ક્ષેત્રમાં થઇ છે. હાર્દિક પટેલે ઉત્તરપ્રદેશમાં જે પ્રકારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે પ્રચાર અને જનસભા સહિતના કાર્યક્રમો યોજયા તે જોતાં હાર્દિકનું કદ કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે વધી ગયું હોવાનું સ્પષ્ટ થયુંહ તું. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાનની જવાબદારી સોંપી છે. હાર્દિક પટેલ આજે તા.૨૪ એપ્રિલે ઉત્તરપ્રદેશની અમેઠી અને રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. આ પહેલા હાર્દિક પટેલે ગુજરાતમાં ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની લોકસભા સીટો પર કોંગ્રેસનો જોરદાર પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા સૂત્રો અનુસાર કોંગ્રેસના કોઈ નેતાએ આટલો પ્રચાર નથી કર્યો, જેટલો હાર્દિક પટેલે કર્યો છે. કોંગ્રેસ માટે હાર્દિક પટેલે જનસભાની સાથે સાથે રોડ શો પણ કરી રહ્યો છે. તેઓ યુપીના ગામોમાં પણ પ્રચાર કરશે. આ દરમિયાન તેમનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં મતદાન સમયે હાર્દિકે કહ્યું હતું કે, જો મને ચોકીદાર શોધવો હશે, તો હું નેપાળ જઈશ પરંતુ મને ભારત માટે પ્રધાનમંત્રી જોઈએ છે. એવા પ્રધાનમંત્રી જે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માંગે, શિક્ષાનું સ્તર સુધારવા તૈયાર હોય. હાર્દિક પટેલે પહેલા રાહુલ ગાંધી માટે અમેઠીના અહોરવાભવાની વિસ્તારમાં સવારે ૧૧ વાગ્યે ચૂંટણી સભા કરી હતી. ત્યારપછી બપોરે તેઓ કરહિયા બજારમાં જનસભા કરવા માટે પહોંચી ગયા હતા. બંને જનસભાઓ પછી હાર્દિક પટેલ સોનિયા ગાંધીના રાયબરેલી ક્ષેત્ર તરફ આગળ વધ્યા હતા, જ્યાં તેઓ દાદુર બ્લોકના સતાવમાં અને ત્યારપછી કમાલપુર બ્લોકના રોહનિયામાં જનસભા સંબોધી હતી. ગુજરાતમાં મતદાન પૂરું થયા પછી હાર્દિક પટેલનું પૂરું ફોકસ હવે બીજા રાજ્યો તરફ છે. કોંગ્રેસ પણ હાર્દિક પટેલની યુવા રાજનીતિનો ભરપૂર લાભ લેવામાં માની રહી છે.

 

(9:54 pm IST)