Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

શ્રીલંકા બ્લાસ્ટ સીસીટીવી ફૂટેજમાં ચર્ચમાં હુમલાખોર દાખલ થતો જોવા મળ્યો

કોલંબો,તા.૨૪: શ્રીલંકામાં રવિવારે આઠ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ધમાકાના તાર આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાઈ રહ્યા છે. ઘટનાના બે દિવસ પછી એટલે કે મંગળવારે આઈએસઆઈએસએ આ ધમાકાની જવાબદારી લીધી છે. આ દરમિયાન કોલંબોના ચર્ચમાં ધમાકો કરનાર સંદિગ્ધનો એક વીડિયો બહાર આવ્યો છે.

આ વીડિયોમાં એક જેહાદી પોતાની પીઠ પર વિસ્ફોટકોથી ભરેલી બેગ લઈને ચર્ચની અંદર આવતો અને ધમાકો કરતો જોવા મળે છે. વીડિયોમાં જોવા મળતો જેહાદી પહેલા એક વ્યક્તિ પાસેથી ચર્ચ વિશે કેટલીક જાણકારી લેશે અને પછી બેગ સાથે ચર્ચના આગળના ગેટથી અંદર દાખલ થાય છે. તે ચર્ચની વચ્ચે જઈને બોમ્બ બ્લાસ્ટ કરે છે.આ પહેલા મંગળવારે શ્રીલંકા પોલીસે વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. શ્રીલંકા પોલીસના મતે જેહાદી રાજધાની કોલંબોમાં ફરી એક વખત હુમલો કરવાની ફિરાકમાં છે.  શ્રીલંકા પોલીસે ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી મળેલી  જાણકારી પછી આ એલર્ટ જાહેર કર્યું છે.રવિવારે ઇસાઇઓના  પર્વ ઇસ્ટરના દિવસે કોલંબો સહિત દેશના  ઘણા ભાગમાં ચર્ચ અને હોટલોને નિશાન બનાવતા આઠ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી ૩૨૦થી વધારે લોકોના મોત થયા છે અને ૫૦૦થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.પોલીસે કાર્યવાહી કરતા આ મામલામાં અત્યાર સુધીમાં ૨૧ આરોપીઓની ધરપકડ કરી છે. શ્રીલંકા સરકારે કહ્યું છે કે મોટાભાગના હુમલા આત્મઘાતી હતા.

(3:53 pm IST)