Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ગૌતમ ગંભીર ૧૪૭ કરોડનો માલિક : મનોજ તિવારી પાસે ૨૪ કરોડ રૂપિયા છે

દિલ્હીથી ચૂંટણી લડતા ઉમેદવારોની સંપત્તિ કેટલી?

નવી દિલ્હી તા. ૨૪ : લોકસભા ચૂંટણીમાં દિલ્હીની દરેક ઉમેદવારોમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર સૌથી અમીર ઉમેદવાર છે અને તેમની કુલ સંપત્ત્િ। ૧૪૭ કરોડ રૂપિયાની છે. ક્રિકેટથી રાજનીતિમાં આવેલા ગંભીર પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે અને પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતરશે.

તેમણે ૨૦૧૭-૧૮ માટે દાખલ આઇટી રિટર્નમાં લગભગ ૧૨.૪૦ કરોડ રૂપિયાની આવક દેખાડી છે. તેમની પત્ની નતાશા ગંભીરે આ અવધિમાં દાખલ આઇટી રિટર્નમાં ૬.૧૫ લાખ રૂપિયાની આવક દર્શાવી છે. તેમણે ૧૪૭ કરોડ રૂપિયાની સ્થળાંતરક્ષમ અને સ્થાવર મિલકત હોવાની જાહેરાત સોગંદનામામાં કરી છે. ગંભીર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર તેમણે બારાખંભા રોડ સ્થિત મોર્ડન સ્કૂલથી અભ્યાસ કર્યો છે અને દિલ્હી વિશ્વવિદ્યાલયની હિંદૂ કોલેજથી સ્નાતક કર્યું છે.

દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ સોગંદનામા અનુસાર તેમની કુલ સ્થળાંતરક્ષમ અને સ્થાવર મિલકત ૨૪ કરોડ રૂપિયા છે જેમાં ૨૦૧૪ની સરખામણીએ ૪.૩૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ૨૦૧૭-૧૮ના આઇટી રીટર્ન અનુસાર તેમની આવક ૪૮.૦૩ લાખ રૂપિયા છે.

દક્ષિણ દિલ્હીથી ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ તેમના સોગંદનામામાં ૧૮ કરોડ રૂપિયાની સ્થળાંતરક્ષમ અને સ્થાવર મિલકત દર્શાવી છે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩.૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે. બિધૂડી અને તેમની પત્નીએ ૨૦૧૭-૧૮માં ક્રમશઃ ૧૬.૭૨ લાખ અને ૩.૦૯ લાખ રૂપિયાની આવક દર્શાવી છે.

દિલ્હી ઉત્તર-પૂર્વ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અને દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે એમની અંગત સંપત્તિની કિંમત રૂ. ૪.૯૨ કરોડ જણાવી છે. આ ૮૧ વર્ષનાં નેતાની વાર્ષિક કરપાત્ર આવક રૂ. ૧૫ લાખ હતી. નિઝામુદ્દીન વિસ્તારમાં એમનો એક ફલેટ છે, જેની માર્કેટ વેલ્યુ આશરે રૂ. ૧.૮૮ કરોડ છે.

કોંગ્રેસના એક અન્ય નેતા અને નવી દિલ્હીના ઉમેદવાર અજય માકને એમની વાર્ષિક આવક રૂ. ૨૬.૩૮ લાખ દર્શાવી છે.

(3:51 pm IST)