Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પાકિસ્તાનના પૂર્વ મંત્રી રામસિંહ સોઢાએ કચ્છના નખત્રાણામાં પહેલી વખત મતદાન કર્યું

ભુજ તા. ૨૪ : ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાં ૧૯૭૧ બાદ પાકિસ્તાનથી સોઢા સમાજના સંખ્યાબંધ શરણાર્થીઓ આવીને વસ્યા છે, જેમાં ૨૦૧૦માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધારાસભ્ય તરીકે પાકિસ્તાન છોડીને મોરબી સ્થળાંતરિત થયા બાદ હાલમાં કચ્છના નખત્રાણામાં સ્થાયી થયેલા રામસિંહ સોઢાએ મંગળવારે લોકસભાની બેઠક માટે પ્રથમ વખત ભારતમાં મતદાન કરીને લોકપર્વની ઉજવણી કરી હતી. તાજેતરમાં ભારતીય નાગરિકત્વ મળ્યા બાદ તેમને ભારતના મતાધિકાર સહિતની સરકારી સુવિધાઓના અધિકાર પ્રાપ્ત થયા છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯૮૫માં ગૌસઅલી શાહના મુખ્યમંત્રી પદવાળી સરકારમાં રામસિંહ સોઢા માઈનોરિટી વિભાગના મંત્રી હતા. ત્યાં હિંદુ સમાજ લઘુમતીમાં છે અને તે વિસ્તારમાં તેમણે લોકપ્રતિનિધિત્વ મેળવ્યું હતું. તેમની સાથે વાત કરતાં જણાવ્યું કે, ૨૦૧૦માં તેઓ પાકિસ્તાન છોડીને ગુજરાતના મોરબીમાં આવ્યા હતા, તે સમયે પણ તેઓ ધારાસભ્ય હતા.

પાકિસ્તાનમાં નડતા સામાજિક સહિતના પ્રશ્નો મામલે તેઓ પાકિસ્તાન છોડીને ભારત આવ્યા હતા. વ્યવસાયે ધારાશા સ્ત્રી એવા રામસિંહ સોઢાએ આત્મકથા પણ લખી છે. મોરબી આવ્યા બાદ રામસિંહ સોઢાએ ધારાસભ્ય તરીકેનું રાજીનામું મોકલાવ્યું હતું.

(3:49 pm IST)