Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

વજન ઘટાડવા માટેની નવી દવાને મળી માન્યતા

હોજરીમાં જેલનું આવરણ બનાવે છેઃ જેના લીધે પેટ ભર્યુ હોય તેવોે અહેસાસ થાય છેઃ ૨૫ બોડી માસ ઈન્ડેક્ષ (બીએમઆઈ) ધરાવતા લોકો માટે પણ ઉપયોગી

વોશિંગ્ટનઃ વેઈટ મેનેજમેન્ટ માટેની એક નવી દવાને અમેરીકન ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન (એફડીએ) દ્વારા માન્યતા મળી ગઈ છે.

આ દવાને પ્લેનીટી નામ આપવામાં આવ્યુ છે અને તે જેલેસીસ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ દવા ૨૫થી વધુ બોડી માસ ઈન્ડેક્ષ ધરાવતા અને કોઈ પણ બીજો રોગ ન હોય તેવા લોકોને ઉપયોગી થશે. એફડીએનું કહેવું છે કે આ દવાને કસરત અને યોગ્ય આહારની સાથે સાથે લઈ શકાય છે. તેને વેઈટ લોસની અન્ય દવાઓ સાથે પણ લઈ શકાય છે.

બોસ્ટન મેડીકલ સેન્ટરના ન્યુટ્રીશન અને વેઈટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેકટર ડો. કેરોલીન એપોવીઅને પ્લેનીટી પર અભ્યાસ કર્યો છે અને તેમનુ કહેવું છે કે આ દવાને અપાયેલી માન્યતા ઘણા બધા અર્થમાં મહત્વપૂર્ણ છે કેમ કે અત્યાર સુધી વજન ઘટાડવાની દવાઓ ૩૦ અને તેનાથી વધુ બીએમઆઈ ધરાવતા લોકો માટે જ હતી. જ્યારે આ દવા ૨૫ બીએમઆઈ ધરાવતા લોકો માટે પણ ઉપયોગી બનશે.

એફડીએ દ્વારા વજન ઘટાડવા માટે અત્યાર સુધીમાં પાંચ જ દવાઓને મંજુરી આપવામાં આવી છે અને વારંવાર ચેતવણીઓ પણ અપાય છે કે આ દવાઓ દ્વારા વજન ઘટવામાં કંઈ ચમત્કાર થશે એવી આશા રાખવી નહીં કારણ કે તેનો આધાર તમે કયા પ્રકારનો ખોરાક લો છો તેના પર છે. એફડીએ દ્વારા મંજુરી મળેલ અમુક દવાઓને સાઈડ ઈફેકટને કારણે બજારમાંથી પાછી પણ ખેંચવી પડી હતી.

ભૂતકાળમાં વજન ઘટાડા માટે મંજૂર થયેલી દવાઓ મગજના ભૂખ અંગેના કોષોનેનિશાન બનાવતી અને તેના લીધે તમને ધરાયેલો હો તેવી અનભૂતિ થતી રહેતી. તેની સામે પ્લેનીટીને ભોજન પહેલા લેવાથી તે પેટને ભરી દે છે. દરેક ગોળીમાં સેલ્યુલોઝ અને સાઇટ્રીક એસીડનું મિશ્રણ હોય છે જે હોજરીમાં પહોંચ્યા પછી ખોરાકની સાથે સુસંગત થઇને જેલીના રૂપમાં વિસ્તરણ પામે છે. આ વિસ્તરણ થયેલી હાઇડ્રોજેલહોજરીનો લગભગ ચોથો ભાગ રોકી લે છે જેના કારણે લોકોને એટલું ઓછું જમવાનું થાય છે. આ જેલ પછી અન્ય ખાદ્ય પદાર્થોની જેમ પાચનક્રિયામાં થઇને બહાર નીકળી જાય છે.

એપોલિઅન અનુસાર તેના કારણે તમને ધરાઇગયાની અનુભૂતિ થાય છે પણ તેના ઘટકો લોહીમાં નથી પ્રવેશતા એટલે મગજ સુધી નથી જતાં આ કારણે જ આ દવા અદભૂત અને સુરક્ષિત છે. તેની સાઇડ ઇફેકટ ન હોવાથી તે સુરક્ષીત અને ઓછો જોખમી વિકલ્પ બને છે.

જેલેસીસ અનુસાર આ દવાનો ભાવ હજી નકકી નથી કરાયો પણ કંપની આ દવા દરેકના ખિસ્સાને પરવડે તેવી રીતે ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબધ્ધ છે. આ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં આ દવાનો લીમીટેડ સ્ટોક વેચાણ માટે મુકાય તેવી શકયતા છે, જયારે ર૦ર૦માં આ દવાનું મોટા પાયે ઉત્પાદન અને વેચાણ શરૂ કરાશે. (ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)(૨-૨૪)

(3:41 pm IST)