Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મુંબઇ સટ્ટાબજારના મતે ગુજરાતમાં ભાજપને ૧૯, દિલ્હીના મતે ૨૨ સીટ મળવાની શકયતા

સટ્ટાબજારમાં ભાજપની ૧૯ સીટ માટે ૩૦ પૈસા, ૨૦ સીટ માટે ૫૫ પૈસા અને ૨૨ સીટ માટે ૮૫ પૈસા ભાવ ખુલ્યો : કેન્દ્રમાં ભાજપની ૨૪૧ સીટો અને કોંગ્રેસની ૮૦ થી ૯૦ સીટો આવી શકે તેમ હોવાનું મુંબઈના સટ્ટોડિયા માની રહ્યાં છે

મુંબઇ તા. ૨૪ : લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં આજે મતદાન પૂરું થયા પછી ૨૬ બેઠકો પૈકી ભાજપને ૧૯ બેઠકો મળે તેવું બુકીઓએ ગણિત માંડયું છે. જયારે કોંગ્રેસની સાત સીટો ઉપર રસાકસી હોવાથી તેના ભાવો બોલાયા હતા. સટ્ટાબજારમાં ભાજપની ૧૯ સીટ માટે ૩૦ પૈસા, ૨૦ સીટ માટે ૫૫ પૈસા અને ૨૨ સીટ માટે ૮૫ પૈસા ભાવ ખુલ્યો છે. કેન્દ્રમાં ભાજપની ૨૪૧ સીટો અને કોંગ્રેસની ૮૦ થી ૯૦ સીટો આવી શકે તેમ હોવાનું મુંબઈના સટ્ટોડિયા માની રહ્યાં છે.

લોકસભાની ચૂંટણી માટે આજે ગુજરાતમાં મતદાન પૂરું થતા હવે સટ્ટાબજારમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટો મળશે તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે. દિલ્હી સટ્ટાબજારના મતે ગુજરાતમાં ભાજપને ૨૨ સીટો અને કોંગ્રેસને ચાર સીટો મળી શકે તેમ છે. જો કે, સટ્ટોડિયાઓ માની રહ્યાં છે કે, લોકસભાક્ષેત્રમાં મતદાન પ્રમાણે એનાલિસીસ કર્યા બાદ નવા ભાવો એકાદ બે દિવસમાં ખુલશે. જેમાં કયા પક્ષને કેટલી સીટો મળશે તે નક્કી થઈ શકશે.

બીજી તરફ સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્રાન્ચ દ્વારા પણ ઉત્ત્।ર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં થયેલા મતદાનના આધારે કયા પક્ષને કેટલી સીટો મળશે તેનો રિપોર્ટ તૈયાર થઈ શકે છે. રિપોર્ટ બનાવવામાં બે દિવસનો સમય લાગે તેમ છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં સામાન્ય રીતે સટ્ટોડિયાઓ વિશ્લેષણ કરીને ભાવો ખોલ્યા બાદ મતદાનના દિવસે કેટલું મતદાન થાય તેના ઉપર સટ્ટો રમે છે. ત્યારપછી મત ગણતરીના દિવસે અબજો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે.

દરેક લોકસભાની સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસનું કેટલું વર્ચસ્વ, કયાં, કેટલા મતદારો છે તે સહિતની માહિતી આઈબી દ્વારા એકઠી કરાઈ હતી. ભાજપ અને કોંગ્રેસની સીટો અંગે સેશનના ભાવો પડયા હોવાથી આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ લોકો સટ્ટો રમ્યા હોવાનું સટ્ટોડિયા માની રહ્યાં છે.

(11:37 am IST)