Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રસપ્રદ વિશ્લેષણ...ગુજરાતમાં ૫૦ ટકાથી વધુ મતદાન થાય તો ભાજપને ફાયદો થાય છેઃ જો પાટીદારો અને ઓબીસી કોંગ્રેસ તરફી રહ્યા હશે તો ભાજપને ગેરફાયદોઃ જો ભાજપની પડખે રહ્યા હશે તો કોંગ્રેસને માત્ર એક કે બે બેઠક મળશે

આદિવાસીઓનું ભારે મતદાન થયું છેઃ આદિવાસીઓ બન્ને પક્ષોને ફાયદો કરાવે છે

નવી દિલ્હી, તા. ૨૪ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનની પેટર્ન જોતાં ૫૦ ટકાથી વધારે મતદાન હોય તો ભાજપને ફાયદો થાય છે જયારે તેનાથી ઓછું હોય તો કોંગ્રેસને ૫૦ ટકા બેઠકો મળતી હોય છે. જો કે આ વખતે ઓબીસી અને પાટીદાર સમાજની નારાજગી ભાજપની બાજી બગાડી શકે તેમ છે.

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમિત શાહે મતદારોને વધુ મતદાન કરવાની કરેલી અપીલ કામે આવી છે, કારણ કે ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કુલ વોટીંગ ૫૦ ટકાની અંદર હતું ત્યારે કોંગ્રેસને ૧૦થી વધુ બેઠકો મળી છે. ૨૦૧૪માં ૬૩.૫ ટકા વોટીંગમાં ભાજપે રાજયમાં કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યા હતા. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં૪૫ ટકા વોટીંગ થયું હતું જેમાં ભાજપને ૧૪ અને કોંગ્રેસને ૧૨ બેઠકો મળી હતી, જયારે ૨૦૦૯માં ૪૭.૯૨ ટકા મતદાન હતું ત્યારે ભાજપને ૧૫ અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી હતી. જો કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના દાવેદાર હતા અને ભાજપે તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી એટલે મતદાનની સરખામણીએ ભાજપને ૨૬ બેઠકો મળી હતી જયારે કોંગ્રેસને એકપણ બેઠક મળી શકી ન હતી.

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં નોટબંધી અને જીએસટી તેમજ ખેડૂતોના પ્રશ્નો અંગે મતદારો ભાજપથી નિરાશ થયેલા છે. બેકારીનું પ્રમાણ પણ વધ્યું હોવાથી સત્તા વિરોધી મતો પડ્યા હોવાનું રાજકીય વિષ્લેષકો માની રહ્યાં છે. શહેરી વિસ્તારમાં વેપારી વર્ગ નારાજ છે પરંતુ તે મતદાન કરવા જતો નથી. ભાજપે તેના કમિટેડ વોટ નંખાવવા માટે પ્રયાસ કર્યા છે પરંતુ પાટીદારોની નારાજગીનો ભાજપના ઉમેદવારોએ સામનો કરવો પડે તેમ છે.

મોદી અને અમિત શાહની વધુ મતદાનની અપીલ કામે લાગી છે અને બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ગુજરાતમાં મતદાનની ટકાવારી ૫૦ ટકાથી વધુ પહોંચી છે. વધુ મતદાન ભાજપને ફાયદો ચોક્કસ કરાવે છે કારણ કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વધુ વોટીંગ માટે કમિટેડ વોટર્સનો સંપર્ક કરતાં નથી તેથી તેમને ચૂંટણીમાં નુકશાન જાય છે. આ વખતે મતદારોમાં ૨૦૧૪ની ચૂંટણી જેવો ઉત્સાહ જોવા મળતો નથી તેથી ભાજપને નેતાઓએ ચૂંટણી જીતવા માટે કાવાદાવા કરવા પડે છે.

ગુજરાતમાં પાટીદારો અને ઓબીસીનું જો કોંગ્રેસ તરફી મતદાન થયું હશે તો કોંગ્રેસને ૮ થી ૧૦ બેઠકો મળવાની શકયતા છે પરંતુ જો ભાજપ તરફી મતદાન રહ્યું હશે તો કોંગ્રેસને માત્ર એક કે બે બેઠકો મળે તેવી સંભાવના છે. રાજયમાં આદિવાસી વિસ્તારમાં આટલું ઉંચુ વોટીંગ આશ્ચર્ય ઉપજાવતું નથી, કારણ કે પ્રત્યેક ચૂંટણીમાં આદિવાસી મતદારો વધુ મતદાન કરે છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હોય કે વિધાનસભા કે પછી લોકસભા— આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ મતદાન હંમેશા નોંધાયેલું છે જે બન્ને પાર્ટીને ફાયદો કરાવે છે.

ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને જસવંતસિંહ ભાભોરનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપ અને કોંગ્રેસે એમ બન્ને પાર્ટીઓએ ભૂલો કરેલી છે પરંતુ મતદારો સાચા અને તેમને ગમતા ઉમેદવારને મત આપીને પાર્ટીની ભૂલો સુધારી દેતા હોય છે.

(11:36 am IST)
  • આલેલે!!! : ટ્રમ્પના ફોલોઅર ઘટી ગયા!! : શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોલોઅર સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર ઉપર ફોલોઅર ઘટી જતા ચિંતિત બનેલા ટ્રમ્પે ટ્વીટરના સીઈઓ જેક ડોરસેની મુલાકાત લઈ ચર્ચા કરી હતી access_time 3:59 pm IST

  • લોકસભા ચુંટણી ૨૦૧૯ : આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે : આખા રાજ્યમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે : ૨૦૧૪ની સરખામણીએ આ વખતે પણ આખા રાજ્યનાં વોટર ટર્નઆઉટની એવરેજમાં બહુ મોટો ફેર નથી પડ્યો - એટલે હવે એ જોવાનું રહ્યું કે ૪૫ લાખ નવા મતદાતાઓ કઈ દિશામાં લઈ જશે ગુજરાતની ૨૬ બેઠકોને access_time 10:44 pm IST

  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST