Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ચોથા તબક્કાના ચક્રવ્યુહને ભેદવા મોદી બંગાળમાં

પ્રિયંકા અને રાહુલ યુપીમાં

ર૯ એપ્રિલે ચોથા તબક્કાનું મતદાન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે ત્રણ તબકકાનું મતદાન થઇ ચુકયું છે અને હવે ચોથા તબકકાનો વારો છે. ર૯ એપ્રિલે દેશના ૯ રાજયોની કુલ ૭૧ બેઠકો પર મતદાન થશે. જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન મુખ્ય છે. આ દરમ્યાન નેતાઓનો પ્રચાર આજે પણ ચાલુ જ રહેશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂર્વી રાજયોમાં ત્રણ રેલીઓ કરશે જયારે રાહુલ ગાંધીની સભાઓ આજે ઉત્તર પ્રદેશમાં છે.

ચોથા તબકકામાં બિહારની પાંચ, જમ્મુ કાશ્મીરની એક, ઝારખંડની ત્રણ, મધ્ય પ્રદેશની ૬, મહારાષ્ટ્રની સાત, ઓરિસ્સાની છ, રાજસ્થાનની તેર, ઉત્તર પ્રદેશની તેર અને પશ્ચિમ બંગાળની આઠ બેઠકો સામેલ છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશમાં રહેશે. રાહુલ આજે લખીમપુર ખીરી, ઉન્નાવ અને કાનપુરમાં ચૂંટણી સભાઓ કરશે. જયારે પ્રિયંકા ગાંધી આજે ઝાંસી, ફતેહપુર અને હમીરપુરમાં ચૂંટણી સભાઓ કરશે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ આજે હરદોઇ અને કાનપુરમાં જનસભા કરશે, જયારે બસપા પ્રમુખ માયાવતી પણ આજે કાનપુરમાં જ રહેશે.

વડાપ્રધાન મોદી આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં  પ્રચાર કરશે. તેઓ મંગળવારે રાત્રે જ  ઝારખંડની રાજધાની રાંચી પહોંચી ગયા હતાં. જયાં તેમણે રોડ શો કર્યો હતો. વડાપ્રધાન આજે ઝારખંડના ગુમલા, બંગાળના બોલપુર અને રાણાઘાટમાં ચૂંટણી સભાઓ કરશે. આ ઉપરાંત આજે તેમનો એક ઇન્ટરવ્યુ પણ આવવાનો છે જેના પર દરેકની નજર છે. આ ઇન્ટરવ્યુ બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર લીધો છે.

(11:30 am IST)