Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભૂકંપના બે આંચકાથી નેપાળ ધણધણ્યું: યુપી પણ ધ્રુજી ઉઠયું

અરૂણાચલ પ્રદેશમાં પણ રાત્રે ભૂકંપનો આંચકોઃ તિવ્રતા ૫.૮: નેપાળમાં વહેલી સવારે બે આંચકા આવ્યાઃ ૫.૨ અને ૪.૮ની તિવ્રતાઃ નુકશાની નથી

નવી દિલ્હી, તા. ૨૪ :. નેપાળમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ભૂકંપની તિવ્રતા રીકટર સ્કેલ પર ૫.૨ હતી અને તેનુ કેન્દ્ર નેપાળના ધાદીંગ જિલ્લાના નોબત હતું. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકશાનના અહેવાલો મળ્યા નથી. ભૂકંપને કારણે યુપીના ધરા પણ ધ્રુજી હતી.

 

પાટનગર કાઠમંડુ સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ત્યાં સવારે ૬.૧૪ કલાકે આંચકો આવ્યો હતો જેની તિવ્રતા ૪.૮ હતી. જ્યારે નેપાળના ધાદીંગ જિલ્લામાં સવારે ૬.૨૯ કલાકે અને પછી ૬.૪૦ કલાકે બે અલગ અલગ આંચકા આવ્યા હતા. જેની તિવ્રતા અનુક્રમે ૫.૨ અને ૪.૩ હતી. અત્રે નોંધનીય છે કે ૪ વર્ષ પહેલા નેપાળમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો અને ૯૦૦૦ લોકોના મોત થયા હતા જ્યારે ૨૨૦૦૦ને ઈજા થઈ હતી.

આ પહેલા રાત્રે ૧.૪૫ કલાકે અરૂણાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા જેની તિવ્રતા ૫.૮ની હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ અરૂણાચલના પશ્ચિમ સીયાંગ હતું.

ભૂકંપની માહિતી મળ્યા બાદ નેપાળમાં તમામ કટોકટીની સેવાઓને હાઈએલર્ટ કરી દેવામાં આવી હતી.

(11:26 am IST)