Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

તેલંગાણા હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ચુકવવામાં મોડું થાય તો જીએસટીમાં આપવુ પડશે વ્યાજ

ઇન્ડસ્ટ્રીઝ પર થશે વ્યાપક અસર

નવી દિલ્હી તા. ૨૪ : તેલંગાણા હાઇકોર્ટે ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ સહિત ઓવરઓલ જીએસટી પર વ્યાજની માંગને પડકારતી અરજી રદ્દ કરી છે. આ રૂલીંગની ઇન્ડસ્ટ્રી પર વ્યાપક અસર થઇ શકે છે. હાઇકોર્ટના ચુકાદાનો મતલબ એવો થાય કે જો એસેસી તરફથી ટેક્ષ ચુકવવામાં મોડું થાય તો અધિકારી બાકી ટેક્ષ (ગ્રોસ ટેક્ષ લાયેબીલીટી) ઉપર વ્યાજની માંગણી કરી શકે છે.

ગયા વર્ષે ૨૨ ડિસેમ્બરે જીએસટી કાઉન્સીલે સૂચન કર્યું હતું કે, ટેક્ષ દાતા પાસેથી નેટ લાયેબીલીટી ઉપર વ્યાજ માંગવામાં આવે. તેણે આના માટે કાયદામાં ફેરફારની વાત પણ કરી હતી. કાઉન્સીલે કહ્યું હતું કે, વ્યાજની ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ (આઇટીસી)ને ગ્રોસ ટેક્ષ લાયેબીલીટીમાંથી બાદ કરીને બાકીની રકમ ચુકવવામાં મોડું થાય તો તેના પર વ્યાજ વસૂલવું જોઇએ.

જો કે તેલંગાણા હાઇકોર્ટે કાઉન્સીલના આ સૂચનને માનવાની ના પાડી હતી કેમકે હજુ સુધી તેના માટે કાયદામાં ફેરફાર નથી કરવામાં આવ્યો. અદાલતે કહ્યું 'ટેક્ષના આઇટીસીવાળા ભાગ પર વ્યાજની માંગણીને પડકારવામાં આવી છે જે યોગ્ય નથી એટલે આ અરજી રદ્દ કરવામાં આવે છે.'

ટેક્ષ નિષ્ણાંતોનું કહેવું છે કે, આ ચુકાદો સ્થાપિત પ્રક્રિયા અને સરકારના મકસદની વિરૂધ્ધનો છે. ટેક્ષ નિષ્ણાંત પ્રતીક જૈને કહ્યું, 'તેલંગાણા હાઇકોર્ટનો નિર્ણય સરકારના વિચારો સાથે મેળ નથી ખાતો. આ ઇન્ડસ્ટ્રીની પરંપરા વિરૂધ્ધનો પણ છે. આ પહેલાની ઇનડાયરેકટ ટેક્ષ સીસ્ટમમાં પણ આવું નહોતું.'

પ્રતિક જૈને વધુમાં કહ્યું કે હાઇકોર્ટના ચુકાદાને જોતા સરકારે તાત્કાલિક આ મુદ્દે સ્પષ્ટીકરણ કરવું જોઇએ જેથી રાજ્ય સરકારો પહેલાથી મોટા રીફંડ બાકી હોય તેવા કરદાતાઓ પાસેથી વ્યાજ વસૂલવાનું શરૂ ન કરી દે.

(11:24 am IST)