Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

હિંદુ વિવાહ કાનુન હેઠળ કિન્નર બની શકે દુલ્હનઃ મદ્રાસ હાઇકોર્ટ

મદ્રાસ હાઇકોર્ટે પુરૂષ અને કિન્નરના લગ્નનું રજીસ્ટ્રેશન કરવા આપ્યો આદેશ કોર્ટે મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોનો કર્યો ઉલ્લેખ

મદુરાઇ તા. ૨૪ : એક મહત્વપૂર્ણ ચુકાદામાં મદ્રાસ હાઇકોર્ટની સ્થાનીય બેંચે કહ્યું છે કે, હિન્દુ લગ્ન ધારા હેઠળ એક કિન્નર પણ દુલ્હન છે. દુલ્હન શબ્દ ફકત મહિલાઓ માટે જ ઉપયોગ ન કરી શકાય. જસ્ટિસ જી.આર.સ્વામિનાથને એક વ્યકિત અને કિન્નરની અરજી પર આ ચુકાદો આપ્યો હતો. બંનેએ ગયા વર્ષે ઓકટોબરમાં તુતીકોરીનમાં લગ્ન કર્યા હતા પણ અધિકારીઓએ તેમના વિવાહનું રજીસ્ટ્રેશન કરવાની ના પાડી હતી.

કોર્ટે રજીસ્ટ્રેશન વિભાગના અધિકારીઓને તેમના લગ્નનું રજીસ્ટ્રેશન કરવાનો હુકમ આપ્યો હતો. કોર્ટે કિન્નરોની હેરાનગતિ પર ગંભીર ચિંતા વ્યકત કરી હતી. જસ્ટિસ સ્વામિનાથને તમિલનાડુ સરકારને કહ્યું કે તે ટ્રાન્સજેન્ડર પેદા થયેલા બાળકોની સર્જરી પર પ્રતિબંધ મુકવાનો આદેશ બહાર પાડે. મહાભારત અને રામાયણ જેવા ગ્રંથો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરતા સ્વામીનાથને કહ્યું કે દુલ્હન શબ્દનો એક સ્થાયી અથવા અપરિવર્તનીય અર્થ ન થઇ શકે અને તેમાં મહિલા કિન્નર (ટ્રાન્સવુમન) પણ શામેલ થશે.

સરકારી વકીલની દલીલો હતી કે લગ્નના દિવસે દુલ્હનનો અર્થ ફકત મહિલા જ હોય છે અને તેથી અરજીકર્તા દંપતિ હિન્દુ વિવાહ કાનુન હેઠળ કાયદેસરની જરૂરીયાતોને પુરી ન કરતા હોવાથી રજીસ્ટ્રારને તેમના લગ્ન રદ્દ કરવાનો અધિકાર છે. જેના જવાબમાં સ્વામીનાથને કહ્યું કે સુપ્રીમે કહ્યું છે કે, કિન્નરોને પોતાની જાતી નક્કી કરવાનો અધિકાર છે.(૨૧.૫)

(11:26 am IST)