Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રાફેલના ચુકાદા મામલે ટિપ્પણી બદલ રાહુલ ગાંધીને તિરસ્કાર નોટિસ

ચોકીદાર ચોર હૈના નિવેદનને લઇને રાહુલ ગાંધીની મુશ્કેલી અકબંધ : ૧૪મી ડિસેમ્બરના ચુકાદા સામે પેન્ડિંગ રહેલી રિવ્યુ પિટિશનની સાથે રાહુલ ગાંધીની સામે મીનાક્ષી લેખીની તિરસ્કાર અરજી ઉપર ૩૦મી એપ્રિલે સુનાવણી થશે

નવીદિલ્હી, તા. ૨૩ : ચોકીદાર ચોર હૈ નિવેદનને લઇને રાહુલ ગાંધીની મુશ્કેલી ઓછી થઇ રહી નથી. સુપ્રીમ કોર્ટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં તેમના ચોકીદાર ચોર હૈના નિવેદન બદલ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને તિરસ્કાર નોટિસ ફટકારી હતી. રાફેલ અંગે સુનાવણી કરતી વેળા આ નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ અયોગ્યરીતે કોર્ટના નિવેદનને લઇને ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીની સામે ચોકીદાર ચોર હૈના નિવેદનના મામલે ભાજપના નેતા મીનાક્ષી લેખી દ્વારા તિરસ્કાર અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી ઉપર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી હતી. મીનાક્ષીનો આક્ષેપ છે કે, રાહુલ ગાંધીએ પોતાના રાજકીય નિવેદનમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ પણ માની ચુકી છે કે, ચોકીદાર ચોર હૈ. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ કોર્ટનું અનાદર કર્યું છે. રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું તું કે, પોતાના આ નિવેદન ઉપર તેઓ દુખ વ્યક્ત કરે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ચોકીદાર ચોર હૈ તેમ કોર્ટ કહી ચુકી છે. મામલાની સુનાવણી દરમિયાન અરજી કરનાર મીનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતાગીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ માની લીધું છે કે, તેમનું નિવેદન ખોટુ હતું. રાહુલે કહ્યું છે કે, તેઓએ કોર્ટના આદેશમાં ધ્યાન આપ્યું ન હતું. ઉત્સાહ અને જોશમાં નિવેદન કરી દેવામાં આવ્યું હતું. રાહુલે નિવેદન બાદ જે દુખ વ્યક્ત કર્યું છે તેમાં પણ બ્રેકેટમાં લખવામાં આવ્યું છે જે બનાવટી દેખાઇ આવે છે જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો કે, ચોકીદાર કોણ છે ત્યારે મુકુલ રોહતાગીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ અમેઠીથી લઇને વાયનાડ સુધીમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ કબૂલી ચુકી છે કે, ચોકીદાર ચોર હૈ અને ચોકીદાર નરેન્દ્ર મોદી છે. આ બાબત પણ જોવી જોઇએ કે, કઈ રીતે એક નેશનલ પાર્ટીના લીડર સુપ્રીમ કોર્ટ સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે. બીજી બાજુ રાહુલ ગાંધી તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતા કહ્યું હતું કે, આ કોઇ વિચારી શકે નહીં કે, સુપ્રીમ કોર્ટે આ રીતે વાત કરી છે. છેલ્લા ૧૮ મહિનાથી રાજકીય ગતિવિધિઓ વચ્ચે ચોકીદાર સ્લોગન ફરે છે. અમે આ બાબતને લઇને દુખ વ્યક્ત કરી ચુક્યા છે કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ચોકીદાર ચોર હૈ પરંતુ અમે પોલિટિકલ સ્લોગન પર કાયમ છીએ ચોકીદાર ચોર છે. મીનાક્ષી લેખી તરફથી રજૂ થયેલા વકીલ મુકુલ રોહતાગીએ તર્કદાર દલીલો કરી હતી. રાહુલ ગાંધીએ કબૂલાત કરતા કહી દીધું છે કે, તેઓનું નિવેદન ખોટુ હતું. રાહુલે એવી દલીલ પણ કરી છે કે, કોર્ટના આદેશને વાંચ્યા વગર નિવેદન કર્યું હતું. આ મામલામાં દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને હવે નોટિસ ફટાકરી છે. હજુ સુધી સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી હતી. હવે નોટિસ જારી કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં હવે મામલાની સુનાવણી થશે. મામલાની સુનાવણી મુખ્ય રિવ્યુ પિટિશનની સાથે થશે. સુનાવણી આગામી મંગળવારના દિવસે થશે. રાફેલ મામલામાં રિવ્યુ પિટિશન ઉપર સુનાવણીનો નિર્ણય સુપ્રીમ કોર્ટ પહેલાથી જ કરી ચુકી છે. ૧૪મી ડિસેમ્બર ૨૦૧૮ના રાફેલ મામલામાં ચુકાદા સામે પેન્ડિંગ રહેલી રિવ્યુ પિટિશનની સાથે હવે ગાંધી સામે ભાજપના સાંસદ લેખી દ્વારા કરવામાં આવેલી ફોજદારી તિરસ્કાર અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. લેખી દ્વારા દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ કોન્ટેમ્પ્ટ પિટિશનને બંધ કરવા રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવામાં આવી છે.

(12:00 am IST)