Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જજ ઇન્ક્વાયરી અેક્ટ ૧૯૬૮ જોગવાઇઓ અનુરૂપ મહાભિયોગ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે, કોઇ ઉતાવળ કરી નથીઃ વેંકૈયા નાયડુ

નવી દિલ્હીઃ ચીફ જસ્ટીસ દીપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્‍તાવ નામંજૂર કરવામાં આવ્‍યા બાદ ઉપરાષ્‍ટ્રપતિ અેમ વેંકૈયા નાયડુઅે આ નિર્ણય યોગ્‍ય હોવાનું અને અેક મહિના સુધી ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ દેશના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસના મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને નામંજૂર કરવામાં ઉતાવળ કરવાના કોંગ્રેસના આરોપોને નકારી દીધા છે. તેમણે કહ્યું ચીફ જસ્ટિસ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને નામંજૂરનો નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો નથી. એક મહિનાથી વધુ સમય સુધી ચર્ચા-વિચારણા કર્યા બાદ ભારતીય બંધારણ અને  Judges Inquiry Act-1968ની જોગવાઈઓને અનુરૂપ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

રાજ્યસભાના સભાપતિ નાયડૂએ કહ્યું કે, તેમણે પોતાની જવાબદારીનું પાલન કર્યું છે અને તેનાથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ પણ છે. આ મામલે ચર્ચા કરવા માટે મંગળવારે સુપ્રીમ કોર્ટના 10 વકીલોએ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, ત્યારબાદ તેમનું આ નિદેવન સામે આવ્યું છે. વકીલોએ કહ્યું કે, આ પ્રથમવાર છે, જ્યારે સંસદના કોઈ ગૃહના પ્રમુખે ચીફ જસ્ટિસ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને રદ્દ કરી છે. 

આ વચ્ચે સુપ્રીમ કોર્ટના વકીલોએ ચીફ જસ્ટિસ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને નામંજૂર કરવાના નિર્ણયની પ્રશંસા કરી. આ સાથે કહ્યું કે, કોંગ્રેસના મહાભિયોગ પ્રસ્તાવની નોટિસને રદ્દ કરવાનો નિર્ણય લઈને ચેરમેન વેંકૈયા નાયડૂએ ચીફ જસ્ટિસનું પદ અને સર્વોચ્ચ ન્યાયાલયના કાર્યાલયની ગરિમાને બચાવી છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જેસી શાહ વિરુદ્ધ આમ જ એક મહાભિયોગની નોટિસને તત્કાલિન લોકસભા અધ્યક્ષ જેસી ઢિલ્લોંએ ખારિજ કરી હતી. ત્યારબાદ ન્યાયમૂર્તિ શાહ ચીફ જસ્ટિસ બન્યા હતા. 

નાયડૂએ કહ્યું, હું તે વાતની ચિંતા કરતો નથી કે તેનાથી પ્રશંસા મળશે. મારી પાસે જે આશા હતી મેં તે જ કર્યું. રાજ્યસભાના ચેરમેનના રૂપમાં આજ નિર્ણય લેવાની આશા હતી. ગૃહના કેટલાક સભ્યોનો પોતાનો દ્રષ્ટિકોણ છે અને વાત રાખવાનો અધિકાર પણ છે, પરંતુ મારી ઉપર આના પર નિર્ણય લેવાની જવાબદારી છે. મેં મારી જવાબદારીનું પાલન કર્યું છે અને આ નિર્ણયથી સંતુષ્ટ છું. 

તેમણે કહ્યું કે, મીડિયામાં એક મહિનાથી વધુ સમયથી ચીફ જસ્ટિસ વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવને લઈને ચર્ચા થઈ રહી હતી. નાયડૂએ કહ્યું, મીડિયામાં સમાચાર આવ્યા બાદ મેં મહાભિયોગ પ્રસ્તાવની જોગવાઇ, પ્રક્રિયા અને આવા ગંભીર મુદ્દા પર પહેલાના મામલાનો અભ્યાસ કરી રહ્યો છે. આ સાથે મહાભિયોગ પ્રસ્તાવ પર સમય પર નિર્ણય લેવા પર પણ કામ કરી રહ્યો છું. 

મહત્વનું છે કે કોંગ્રેસના નિતૃત્વમાં સાત વિપક્ષી પાર્ટીઓ તરફતી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ માટે નોટિસ આપી હતી, જેને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ ખારિજ કરી દીધી હતી. ત્યારબાદ આ મામલાને લઈને તેમના પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ પર લેવામાં આવેલા તેમના નિર્ણયને ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. કોંગ્રેસે ઉપરાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી છે. 

(7:42 pm IST)