Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આસારામ વિરૂધ્ધ ૨૦૧૩થી ચાલતો યૌન શોષણનો કેસ શું છે ?

કાલે જોધપુર સેન્ટ્રલ જેલમાં ઈતિહાસ રચાશેઃ દેશના ચોથા સૌથી મોટા કેસનો ચુકાદો જેલમાંથી જ આવશે : આસારામ વિરૂધ્ધ ૫૮ સાક્ષીઓ હતા, જેમાં ૧૪ ડ્રોપ થયાઃ બચાવ પક્ષ દ્વારા પણ ૫૮ નામ જણાવાયેલ જેમાંથી ૨૭ સાક્ષીઓ ડ્રોપ થયેલ

નવી દિલ્હી, તા.૨૪: યૌન શોષણના આરોપસર કાલે આસારામ બાપુ વિરૂધ્ધ જોધપુરની જેલમાંથી જ ચુકાદો સંભળાવવામાં આવનાર છે. ત્યારે કાલે ઈતિહાસ રચાશે જેમાં દેશના ચોથા સૌથી મોટા કેસનો પણ જેલમાંથી જ નિર્ણય આવનાર છે. આ અગાઉ તિહાડ જેલમાંથી પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના હત્યાના ગુના સબબ બેઅંતસિંહ અને સતવંતસિંહને જેલમાંથી સજા સંભળાવાયેલ. જયારે સાંસદ હુમલાના આરોપી આંતકી અજમલ કસાબને આર્થર રોડ જેલમાંથી જયારે ડેરા પ્રમુખ રામ રહીમને સુનારીયા જેલમાંથી સજા સંભળાવવામાં આવેલ.

આસારામ ઉપર ૨૦૧૩માં ઉત્તરપ્રદેશની શાહજહાપુરની રહેનાર પીડીતાએ યૌન શોષણનો આરોપ લગાડયો હતો. જયારે દેશ સમક્ષ પોતાની આપવીતી જણાવેલ ત્યારે લોકો હચમચી ઉઠયા હતા. ત્યારે ફરીયાદી પીડિતા ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

માહિતી મુજબ પીડિતાના પિતા ઉપર ૭ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ છીંદવાડા આશ્રમથી ફોન આવેલ કે તેમની પુત્રીની તબીયત સારી નથી. આ ફોન બાદ તેઓ પરિવાર સાથે ત્યાં પહોચતા તેમને જણાવાયેલ કે તમારી દીકરી ઉપર ભુત- પ્રેતનો પડછાયો છે જેને ફકત આસારામ જ ઠીક કરી શકે છે.

પીડિતાએ આપેલ માહિતી મુજબ ૧૪ ઓગસ્ટનાં રોજ તે પરિવાર સાથે આસારામને મળવા તેના જોધપુર આશ્રામ પહોંચયા હતા. જયાં બીજા દિવસે ૧૫ ઓગસ્ટના રોજ સાંજે આસારામે ૧૬ વર્ષીય પીડિતાને સરખુ કરવાના બહાને પોતાની કુટીરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચયું હતું.

યૌન શોષણનો આ મામલો ૨૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સામે આવ્યો હતો. આ મામલે એક એફઆઈઆર દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં રાત્રે ૨ વાગે નોંધવામાં આવેલ. રિપોર્ટમાં આ ઘટના જોધપુરના મડઈ સ્થિત ફાર્મ હાઉસમાં ૧૬ ઓગસ્ટના રોજ થઈ હોવાનું નોંધાયેલ છે. ફરીયાદમાં પીડિતાએ આરોપ લગાવેલ કે આસારામે તે રાત્રે તેને રૂમમાં બોલાવી અને ૧ કલાક સુધી યૌન શોષણ કર્યું હતું.

આ મામલા બાદ આસારામના માણસો દ્વારા પીડિતાના પરિવારને આ ફરીયાદ અંગે ભોગવવું પડશે. તેવી ધમકીઓ મળી ચુકી છે. પણ પીડિતા અને તેના પરિવારે આસારામને સજા અપાવવા સાડા ચાર વર્ષ લાંબી લડાઈ લડી છે જેનો નિર્ણય આવતીકાલે આવનાર છે.

પીડિતાના પિતાએ જણાવેલ કે ઘણા વખત પહેલા અમારા સંબંધીના લગ્ન વખતે માંડી ગામના કેટલાક લોકો અમને મળવા આવેલ. તેમણે સંબંધીઓ મારફત ધમકી આપી કે તે ગામ પ્રધાન છે અને આસારામ આશ્રમનો સંચાલક છે. તેણે જ આવીને ધમકાવેલ અને કહયું કે જો તમે નિવેદન નહીં બદલો તો ૫૦૦ થી ૭૦૦ લોકો આવીને તમારી ઉપર હુમલો કરશે. તમારી આબરૂ પણ જશે. તેના ગયા બાદ અમારા સંબંધીઓએ ફોન કરી જણાવેલ કે તમે લગ્નમાં પણ ન આવતા તમારી પાછળ આસારામના સમર્થકો પડયા છે અને ગમે ત્યારે હુમલો થઈ શકે છે.

કોર્ટ ઉપર પૂર્ણ ભરોસો હોવાનું જણાવી પીડિતાના પિતાએ કહ્યું કે અમને ન્યાય મળશે અને આસારામને સજા મળશે. આ ઉપરાંત કેસની ગંભીરતા અને કાલે ચુકાદાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા પીડિતાના ઘરની સુરક્ષા વધારી દેવાઈ છે. હજી જરૂર પડશે તો વધુ સુરક્ષા અપાશે તેમ સ્થાનીક પોલીસ અધીકારીઅ જણાવેલ આ ઉપરાંત પોલીસ ઈન્ટેલીજન્સ એકધારી માહિતી આપી રહયું છે.(૩૦.૧૪)

(4:47 pm IST)