Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

યુપી, બિહાર અને છત્તીસગઢને કારણે દેશ પછાત : નીતિ આયોગની સ્પષ્ટ વાત

દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં ઝડપી પ્રગતિ : બિઝનેસ મામલામાં ઝડ઼પી વિકાસ પણ માનવ વિકાસ માપદંડના મામલે હજી પણ પછાત

 નવી દિલ્હી :નીતિ આયોગે  ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને  બિહારની નીતિશ સરકારના વિકાસના દાવા પર મોટો સવાલ કર્યો છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે કહ્યું છે કે દેશના દક્ષિણ અને પશ્ચિમ રાજ્ય ઝડપી પ્રગતિ કરી રહ્યા છે પણ બિહાર, ઉત્તર પ્રદેશ તેમજ છત્તીસગઢ જેવા રાજ્યોને કારણે દેશ પછાત બનેલો છે. 

   જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં અબ્દુલ ગફાર ખાન સ્મારક વ્યાખ્યાન દરમિયાન અમિતાભ કાંતે કહ્યું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોને કારણે દેશ ખાસ કરીને સામાજિક માપદંડ પર પછાત સાબિત થાય છે. આપણે બિઝનેસના મામલામાં તો ઝડ઼પી વિકાસ કર્યો છે પણ માનવ વિકાસ માપદંડના મામલે હજી પણ પછાત છે. આ દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણે 188 દેશોની યાદીમાં 133માં સ્થાન પર છીએ. 

  ‘ચેલેન્જિસ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા’ વિષય પર વાતચીત કરતી વખતે નીતિ આયોગના પ્રમુખે કહ્યું કે દેશના દક્ષિણના અને પશ્ચિમના રાજ્યો સારો  દેખાવ કરી રહ્યા છે અને ઝડપી વિકાસ સાધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે માનવ વિકાસ માપદંડના મામલે વધારે સારું પ્રદર્શન કરવા માટે સામાજિક સમસ્યાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને આ માટે અમે આકાંક્ષા જિલ્લા કાર્યક્રમ મારફતે પ્રયાસ કરી રહ્યા છીએ. 

   નીતિ આયોગે થોડા સમય પહેલાં પ્રોગ્રેસ રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં સ્વાસ્થ્યના મુદ્દે રાજ્યોની સ્થિતિની સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ રિપોર્ટ પ્રમાણે કેરળ, પંજાબ અને તામિલનાડુ ઓવરઓલ પર્ફોમન્સમાં ટોચ પર છે. આ રિપોર્ટમાં છત્તીસગઢ અને ઝારખંડમાં સુધારાની સ્થિતિ હતી જ્યારે યુપી અને બિહારને બહુ ઓછા માર્ક મળ્યા હતા. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે અમિતાભ કાંતની સર્વિસની એક્સટેન્શન આપ્યું છે જેના પગલે તેઓ હવે 30 જુન, 2019 સુધી ફરજ નિભાવશે. 

 

(2:41 pm IST)