Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વડાપ્રધાન મોદીની હત્યાના પ્લાનિંગની ઓડિયો વાયરલ થયા બાદ બ્લાસ્ટના દોષિતની ધરપકડ

આઠ મિનિટની ઓડિયોમાં સજા કાપીને મુક્ત થયેલ આરોપી ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર સાથેની વાતચીત

કોઈંમ્બતુર : સોશિયલ મીડિયા પર ટેલિફોનિક વાતચીતનો એક ઓડિયા વાયરલ થયા બાદ કોઇમ્બતુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા 1998 સરિયલ બ્લાસ્ટમાં દોષીત જાહેર થયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલા ઓડિયોમાં આરોપી એવું કહી રહ્યો છે કે તે પીએમ મોદીની હત્યા કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

   પોલીસના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયામાં આઠ મિનિટની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં સિરિયલ બ્લાસ્ટની સજા કાપીને મુક્ત થયેલો એક વ્યક્તિ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી રહ્યો છે. જેલમાંથી છૂટેલો વ્યક્તિ શહેરના કુનિયામુથુર વિસ્તારમાં રહે છે.

   પોલીસે જણાવ્યું હતું કે, 'બંને વચ્ચે વાહનોના ફાયનાન્સને લઈને વાતચીત ચાલી રહી હતી. પરંતુ અચાનક જેલની સજા ભોગવીને મુક્ત થયેલી વ્યક્તિ એવું બોલે છે કે, તેમણે દેશના વડાપ્રધાન મોદીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે અડવાણી 1998માં જ્યારે શહેરમાં આવ્યા હતા ત્યારે તેમણે જ બોમ્બ પ્લાન્ટ કર્યા હતા.'

  અત્રે ઉલ્લેખનીય છે કે 1998ના ફેબ્રુઆરી મહિનામાં કોઇમ્બતુર શહેર શ્રેણીબદ્ધ બ્લાસ્ટ્સથી ધણધણી ઉઠ્યું હતુ. આ બ્લાસ્ટ્સમાં 58 લોકોનાં મોત થયા હતા,તેમજ કરોડોની સંપત્તિનું નુકસાન થયું હતું.

   પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ટેલિફોનિક વાતચીતમાં વ્યક્તિ એવું પણ કહી રહ્યો છે કે, 'મારી સામે અનેક કેસ ચાલી રહ્યા છે, મેં 100થી વધારે વાહનોને નુકસાન પહોંચાડ્યું છે.'

  ઓડિયા ક્લિપ વાયરલ થયા બાદ પોલીસે વાતચીત કરી રહેલા વ્યક્તિની ઓળખ માટે એક ખાસ ટીમ બનાવી હતી. ઓડિયો ક્લિપના આધારે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

(1:22 pm IST)