Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

નેહરૂ અંગ્રેજોના ચમચા હતાઃ ચંદ્રકુમાર બોઝ

સુભાષબાબુના પ્રપૌત્રની સનસનાટીઃ જવાહરલાલે દેશ સાથે ગદ્રી કરીઃ જવાહરલાલ નેહરુ કરતા હિટલર પણ સારા, જેમણે કયારેય પોતાના દેશ સાથે ગદ્રી નથી કરીઃ 'હિન્દુસ્તાન' ચેનલનો અહેવાલઃ ચંદ્રકુમાર બોઝની તડાફડીઃ કોંગીજનો લાલચોળ

નવી દિલ્હી તા. ર૪ :.. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અંગે સનસનાટી પૂર્ણ નિવેદન અપાયું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝના -પ્ર-પૌત્ર ચંદ્રકુમાર બોઝે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જવાહરલાલ નેહરૂ અંગ્રેજોના ચમચા હતાં. નેહરૂની 'ચાટુકારી' દેશ સામે ગદ્રી જેવી હતી.

ચેનલ હિન્દુસ્તાનના અહેવાલ પ્રમાણે ચંદ્રકુમારે સ્પષ્ટ જણાવ્યું હતું કે, નેહરૂ રાષ્ટ્રના હિતમાં નહિ, અંગ્રેજોના હિતમાં સક્રિય હતાં. ચંદ્રકુમારે કરેલા ટ્વીટથી કોંગીજનો આગબબુલા થયા છે.

ચંદ્રકુમારના ટ્વીટ પ્રમાણે નેહરૂએ દેશ સાથે ગદ્રી કરી છે. અંગ્રેજોના ચમચા બનીને રહ્યા હતાં. આખા દેશમાં અંગ્રેજો હાહાકાર મચાવતા હતાં, ભારતીયો શહીદી વહોરતા હતા ત્યારે નેહરૂ અંગ્રેજોની ચમચાગીરી કરીને જલ્સા કરતા હતાં.

ચંદ્રકુમાર બોઝ આગળ કહે છે કે, જવાહરલાલ નેહરૂ કરતા તો હિટલર સારા હતાં. હિટલરે દેશ સાથે કયારેય ગદ્રી કરી નથી. ભારતમાંથી અંગ્રેજોને ભગાડવાનો શ્રેય નેહરૂને નહિ, હિટલરને અને ભારતના ક્રાંતિકારીઓને મળે છે. હિટલરે બ્રિટન પર આક્રમણ કર્યુ હતું અને ભારતમાં ક્રાંતિવીરોએ અંગ્રેજો સામે પરાક્રમો આદર્યા હતાં. અંગ્રેજોએ ભારતમાંથી ભાગવું પડયું હતું.

નેહરૂ અંગ્રેજોની ચમચાગીરી કરીને આઝાદી ઇચ્છતા હતા, તેમ ચંદ્રકુમાર બોઝ જણાવે છે. (પ-૮)

(11:33 am IST)