Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસઃ તમામ ગામોમાં ગ્રામસભા

રાજકોટ, તા. ૨૪ :. ભારત સરકાર દ્વારા ૨૪-એપ્રિલ કે જે 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ' તરીકે આખા દેશમાં ઉજવાય છે. તેને અનુલક્ષીને 'રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન' સ્વરૂપે આજે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયેલ છે.

આ ખાસ ગ્રામસભામાં નિયમીત એજન્ડા ઉપરાંતની પ્રવૃતિઓ ગ્રામ કક્ષાએ કરવાની રહેશે. જેમાં પ્રભાત ફેરી અને ગામમાં ચાલો, સ્વચ્છતા કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગ્રામીણ રમતો કાર્યક્રમનો સમાવેશ થાય છે. ગ્રામસભામાં ધ્યાનમાં લેવાના મુદ્દાઓમાં ગ્રામ પંચાયત વિકાસ યોજના અંતર્ગત સ્થાનિક આર્થિક વિકાસ સહાય જેવી યોજનાઓ, જે હેતુ માટે ફંડ આપવામાં આવેલ છે તે હેતુ માટે ફંડનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું, સ્વચ્છ અને સલામત પીવાના પાણીનો ઉપયોગ અને ગામે સ્વચ્છતા ઉપર ભાર મુકવો, ગામના વિકાસમાં મહિલાઓની અગત્યતાની ભૂમિકાની સમજ આપવી, બંધારણમાં ૭૩માં સુધારાથી ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલી બનેલ છે. તે બાબતે બંધારણના મહત્વની સમજ આપવી, ગ્રામસભામાં રાજ્ય સરકારનો 'જળ બચાવો'નો મંત્ર ચરીતાર્થ કરવો વગેરેનો સમાવેશ કરાયો છે.સરકારની વિવિધ યોજનાઓ ખાસ કરીને (૧) પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામિણ (૨) પ્રધાનમંત્રી જીવનજ્યોત બીમા યોજના (૩) પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (૪) પ્રધાનમંત્રી જનધન યોજના (૫) સૌભાગ્ય યોજના (૬) મેઘધનુષ્ય યોજના (૭) ઉજ્જવલ્લા યોજના (૮) ઉજાલા યોજના વિગેરે યોજનાઓ હેઠળ ગામના કેટલા લોકોને લાભ મળેલ છે. તેમજ તે લોકોને શું શું લાભ મળેલ છે તેની માહિતી આપવાની રહેશે. દરેક ગ્રામસભાના મતદારોએ ગામનો વિકાસ તે જ દેશનો વિકાસ તે પ્રમાણેનો ઠરાવ કરવાનો રહેશે. અધિકારીઓ, પદાધિકારીઓ ગ્રામસભામાં ઉપસ્થિત રહેશે.

(11:28 am IST)