Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

હોકી મેચમાં ઘણી વખત ભારતીયોના દિલ તોડ્યા:આજે મને હૃદયની ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયા માટે મદદની જરૂર

પાકિસ્તાનના પૂર્વ હોકી ખેલાડી મન્સુર અહેમદે મેડિકલ વિઝા માંગી લાગણીસભર અપીલ કરી

પાકિસ્તાનના પૂર્વ હોકી ખેલાડી મન્સુર અહેમદએ તેના હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે ભારત સરકાર અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને અરજી કરી છે

   મન્સુરે એક વીડીયો સંદેશો જાહેર કરીને ભારત સરકારને લાગણીશીલ અપીલ કરતા કહ્યું છે કે ભારત સામે હોકી મેચમાં ઘણી વખત તેઓએ ભારતીયોના દિલ તોડ્યા છે. ઘણી વખત ભારતીય ટીમથી જીત છીનવીને પોતાના દેશ પાકિસ્તાનને વિજેતા બનાવ્યું હતુ. પરંતુ તે રમતનો એક ભાગ હતો આજે મને મારા હૃદયના ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયા માટે ભારત સરકારની મદદની જરૂર છે.
  
હોકી વર્લ્ડ કપની વિજેતા ટીમનો ભાગ રહી ચુકેલ મન્સુરને સારવાર માટે ભારતના વિઝાની જરૂર છે અને તે ઇચ્છે છે કે સુષ્મા સ્વરાજ મેડિકલ વિઝા મેળવવા માટે મદદ કરે.

  મન્સુરની ઉંમર 49 વર્ષની છે અને તેમના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધુ છે. હવે તે પેસમેકરની મદદ લઇ રહ્યાં છે. આવી સ્થિતિમાં તેમને તરત હૃદય ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે.     2008ના મુંબઇ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઘણી કડવાશ આવી ગઇ છે. છતાં પણ ભારત સરકારે અગાઉ પણ સારવાર માટે ઘણા પાકિસ્તાની નાગરિકોનો મેડિકલ વિઝા આપ્યા છે.

  મન્સુર અહમદ પાકિસ્તાનના સુપ્રસિદ્ધ હોકી ખેલાડી રહી ચુક્યા છે. તેઓ ઓલિમ્પિક્સમાં ત્રણ વખત પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. અને 1989માં ઈન્દિરા ગાંધી કપ જીતનાર ટીમના સભ્ય પણ છે. અહેમદે પાકિસ્તાન તરફથી 1986 થી 2000ની વચ્ચે 338 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. ઉપરાંત ઘણી બધી ટુર્નામેન્ટોના સાક્ષી રહ્યાં છે.

(11:08 pm IST)