Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સાઉદી અરબ અને તેના સહયોગી દેશો દ્વારા યમનના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં મિસાઇલ હૂમલોઃ ૨૦ લોકોના મોતઃ દુલ્હન સહિત ૪૦ને ઇજા

રિયાધઃ સાઉદી અરબ અને તેના સહયોગી દેશોએ રવિવારે સાંજે યમનના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં મિસાઈલ દ્વારા હુમલો કર્યો હતો, જેમાં 20 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ હુમલો એક લગ્ન સમારંભમાં ભેગા થયેલ લોકો પર કરવામાં આવ્યો હતો. યમનના હાઝા પ્રાંતના આરોગ્ય અધિકારી ખાલિદ અલ-નાધરીએ જણાવ્યું હતું કે મૃત્યુપામનારાઓમાં મોટાભાગના બાળકો અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ હુમલામાં કુલ 40 લોકો ઘાયલ થયા છે, જેમાં દુલ્હન પણ સામેલ છે.

હોસ્પિટલ ચીફ મોહમ્મદ અલ-સોમાલીએ જણાવ્યું હતું કે હુમલા બાદ કુલ 45 લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે, જેમાં એક દુલ્હન પણ સામેલ છે. યમનના હેલ્થ મિનિસ્ટર અબ્દેલ-હકીમ અલ કાહલાનએ કહ્યું કે આ ઘટના પછી તરત જ એમ્બ્યુલન્સ પહોંચી ન હતી અને હુમલા પછી પણ એરક્રાફ્ ઉડતા રહ્યાં હતા.

પહેલા પાછલા અઠવાડિયાના શનિવારે એક અજ્ઞાત ડ્રોન દ્વારા સાઉદી અરબ કિંગના ઘરની બહાર હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ સિક્યોરિટી ફોર્સ દ્વારા તે ડ્રોનને તોડી પડાયુ હતુ. યમનમાં હુતી બળવાખોરો વિરુદ્ધ સઉદી અરબ સતત યુદ્ધ લડી રહ્યું છે. બન્ને દેશ ઘણી વખત એકબીજા પર મિસાઇલ હુમલા કરી ચુક્યા છે. યમનમાં હુતિ બળવાખોરોએ રાજધાની સના સહિત ઉત્તર ક્ષેત્ર પર કબજો જમાવેલ છે.

(12:00 am IST)